NAVSARI

Navsari: પ્રાકૃતિક ખેતી થકી ‘ફેમેલી ફાર્મર’ની નામના મેળવતા રૂમલા ગામના પ્રગતિશીલ ખેડૂત બીપીનભાઈ પટેલ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

રાજ્યના ખેડૂત પ્રાકૃતિક ખેતી કરીને આત્મનિર્ભર બને તે માટે રાજ્ય સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ જિલ્લે-જિલ્લે પ્રવાસ કરીને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે ખેડૂતો સાથે સંવાદ સાધીને પ્રોત્સાહન પુરૂ પાડી રહ્યા છે. સરકારે માસ્ટર ટ્રેનરોની નિમણુંક કરી ખેડૂતોને તાલીમબદ્ધ કર્યા છે, જેઓ ગામડે-ગામડે પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી રહ્યા છે, ત્યારે વાત કરવી છે એવા સાહસિક ખેડૂતની જે રાસાયણિક ખેતી છોડીને છેલ્લા ૮ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીને સફળતા પૂર્વક મારુતિ મંથન પ્રાકૃતિક ફાર્મનો કૃષિ ઉધોગ ચલાવી રહ્યા છે અને પોતાના ગ્રાહકોમાં ‘ફેમેલી ફાર્મર’ની નામના મેળવી છે.

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂમલા ગામના પ્રગતિશીલ ખેડૂત બીપીનભાઈ પટેલે છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેમણે આ વર્ષે કેરીના ઉત્પાદનમાં પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ સાથે ફ્રુટ કવર(પેપર બેગ) કલાઈમેટ ચેન્જ સામે રક્ષણ મેળવી ૨૦૦૦ થી વધુ મણની કેરીનું ઉત્પાદન કર્યું છે.

પ્રાકૃતિક ખેતી અંગેની પ્રેરણા અને અનુભવો અંગે વાત કરતા બીપીનભાઈ કહે છે કે, મારા મનમાં પ્રાકૃતિક ખેતી કરવાનું બીજ ઘણા સમય પહેલા વવાઈ ગયુ હતું. અમે વર્ષોથી રાસાયણિક ખેતી કરી રહ્યા હતા પરંતુ તેનાથી ખેતીની જમીન અને સ્વાસ્થ્યને ઘણું નુકશાન થઈ રહ્યું હતું જે બાબતે હું ઘણો ચિંતિત હતો. મારા પુત્ર હિમાંશુ તથા પુત્રવધુ મેઘનાને પ્રાકૃતિક ખેતીમાં ખુબ જ રસ છે  અને તેમના સપોર્ટથી જ મનમાં એક સંકલ્પ લીધો હતો કે રાસાયણિક ખેતીનો ત્યાગ કરીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીશ. ત્યારબાદ નવસારી બાગાયત વિભાગ, આત્મા પ્રોજેક્ટ અને નવસારી કૃષિ યુનીવર્સીટી દ્વારા જ્યારે પણ પ્રાકૃતિક ખેતીના વર્કશોપ અને ટેકનીકલ સેશન હોય તે અટેન્ડ કર્યા તથા સુભાષ પાલેકરના વિડીયો જોઇને પ્રાકૃતિક ખેતીના વિષય પર અભ્યાસ કરી મારી ૩૦ વીઘા જમીનમાં એક સાથે પ્રાકૃતિક ઢબે ખેતીની શરૂવાત ૨૦૧૭ માં કરી અને આજે સફળતા પૂર્વક મારુતિ મંથન ફાર્મનો કૃષિ ઉધોગ ચલાવી રહ્યો છું.

બીપીનભાઈ જણાવે છે કે, રાસાયણિક ખેતીમાંથી થતી આવક કરતા પ્રાકૃતિક ખેતી થકી ખેતપેદાશનું બમણા બજાર ભાવ મેળવી રહ્યો છું. મારા ફાર્મમાંથી ઉત્પન્ન થયેલ મૂલ્યવર્ધન કેસર કેરી ૨૫૦૦ થી ૩૦૦૦ મણ ભાવે મુંબઈ, વલસાડ,અમદાવાદ, નવસારી અને જયપુર શહેરના ગ્રાહકોને સીધુ વેચાણ કરી રહ્યો છું. તેઓ કહે છે કે, મારા મારુતિ મંથન ફાર્મની કેરીનો સ્વાદનો એકવાર ચસ્કો લાગ્યા બાદ કોઈ પણ વ્યક્તિ મારો કાયમી ગ્રાહક બની જાય છે. બીપીનભાઈ કહે છે કે, આ કાર્યમાં મારા પરિવારનો ઘણો સપોર્ટ તથા સાથ સહકાર મળી રહ્યો છે તેના વિના મૂલ્યવર્ધન કેરીનું વેચાણ કરવું મારા માટે શકય ન હતું.

સતત બદલતા ક્લાઈમેટ ચેન્જની સામે કેરીના પાકના રક્ષણ મળી રહે તે માટે  બીપીનભાઈએ ફ્રુટ કવર(પેપર બેગ) ટેકનીક અપનાવી હતી. તેમણે ૨૦૦૦૦ થી વધુ કેરી પર કાગળની બેગ બાંધી હતી જેથી બદલાતા વાતવરણ સામે તેઓ સફળતાપૂર્વક તંદુરસ્ત અને વિપુલ પ્રમાણમાં કેરીનો પાક લઇ શક્યા. આ ફ્રુટ કવર(પેપર બેગ)  ટેકનીક સંદર્ભે બીપીનભાઈ  જણાવે છે કે, રાજ્ય સરકારની નવસારી બાગાયત વિભાગ દ્વારા સબસીડી મળી છે, જેથી પ્રાકૃત્તિક ખેતી કરવાનું યોગ્ય પ્રોત્સાહન સરકાર દ્વારા મળી રહ્યું છે.

બીપીનભાઈ કહે છે કે, જે રીતે દિન-પ્રતિદિન રોગોનું પ્રમાણ વધી રહ્યું છે, તેને જોતા આજ નહી તો કાલે સૌ કોઈએ પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે. પ્રાકૃતિક ખેતીના અદ્દભૂત પરિણામો વિશે વાત કરતા કહે છે કે, મારા જેટલા પણ ગ્રાહકો છે તે મને પોતાના પરિવારના  ‘ફેમેલી ફાર્મર’ માને છે. અને મને પણ ખુબ જ ખુશી થાય છે કે આખા વર્ષ દરમિયાન મારા મારુતિ નંદન ફાર્મ માંથી  ડાંગર,ઘઉ,ચોખા, મગ, ગોળ, હળદર અને લીલી શાકભાજીનું તેઓ સેવન કરે છે અને પરોક્ષ રીતે હું તેમના સારા સ્વાસ્થ્યમાં યોગદાન આપી શકું છું.

આજના યુવાનોને સંદેશ આપતા બીપીનભાઈ કહે છે કે, જો તમારી પાસે ખેતીની જમીન હોય તો થોડા અંશે પણ ખેતીમાં ધ્યાન આપવાનું શરૂ કરી દો. રાજ્ય સરકાર પણ ખેડૂતો માટે અનેકવિધ કૃષિ કલ્યાણકારી યોજનાઓના લાભો આપી રહી છે, જેનો લાભ લેવા પણ તેમણે જણાવ્યું હતું.
આજના આધુનિક યુગમાં રસાયણમુક્ત ખોરાક માટે પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે. આજની ઝડપી જીવનશૈલીમાં લોકો ખાનપાનની બાબતે જાગૃત થઈ રહ્યા છે, ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને રાસાયણિક કૃષિના આડઅસરથી મુક્તિ મેળવવા માટે મોટી સંખ્યામાં જાગૃત્ત થઈ રહ્યાં છે, ત્યારે નવસારી  જિલ્લાના ચીખલી તાલુકાના રૂમલા ગામના ‘ ફેમેલી ફાર્મર’ તરીકે ઓળખાતા  ખેડૂતે બીપીનભાઈ પટેલે નવતર ક્રોપ પ્રોટેક્શન( કાગળની બેગ) ટેકનીક સાથે પ્રાકૃતિક ખેતી અપનાવીને પ્રકૃતિ તરફ પ્રયાણ કરી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button