નવસારી: રાસાયણિક ખેતીથી સંકટ, પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધિ: વાંસદાના ગોધાબારી ના સુરેશભાઈની પ્રેરણાદાયી સફર

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*સુરેશભાઈ આજુબાજુના ખેતર વાળાઓ અને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે મેન્ટરની ભૂમિકા ભજવે છે*
સામાન્ય રીતે ખેતીમાં વધતો જતો ખર્ચ અને ઘટતું ઉત્પાદન એ ખેડૂતો માટે ચિંતાનો વિષય હોય છે. પણ જ્યારે કોઈ ખેડૂત પરંપરાગત ચીલો ચાતરીને નવો રાહ અપનાવે છે, ત્યારે તે માત્ર પોતાનું જ નહીં પણ આખા સમાજનું ભવિષ્ય સુધારે છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ગોધાબારી ગામના આવા જ એક પ્રગતિશીલ ખેડૂત છે સુરેશભાઈ નગીનભાઈ પટેલ. તેમણે રાસાયણિક ખેતીના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળીને પ્રાકૃતિક ખેતી દ્વારા સફળતાની નવો માર્ગ અપનાવ્યો છે.
રાસાયણિક ખેતીનો કડવો અનુભવ એક સમયે સુરેશભાઈ પણ અન્ય ખેડૂતોની જેમ રાસાયણિક ખેતી પર નિર્ભર હતા. ખેતરમાં વધુ ઉત્પાદનની લાલચે રાસાયણિક ખાતરો અને મોંઘી જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ થતો હતો. પરિણામ એ આવ્યું કે ખેતીનો ખર્ચ કૂદકે ને ભૂસકે વધવા લાગ્યો, પણ સામે ઉત્પાદન ઘટતું ગયું. જમીન નિષ્પ્રાણ થવા લાગી અને નફાનું સ્થાન નુકસાને લેવા માંડ્યું. એટલું જ નહીં, રાસાયણિક ખેતીથી પકવેલા અનાજ અને શાકભાજીની સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરો પણ તેમના ધ્યાને આવી. આ બધા કારણોસર સુરેશભાઈએ મનોમન નક્કી કર્યું કે, “હવે બસ! ખેતીમાં પરિવર્તન લાવવું જ પડશે.”
પ્રકૃતિના ખોળે રાસાયણિક ખેતી છોડવાનો નિર્ણય તો લઈ લીધો, પણ વિકલ્પ શું? આ પ્રશ્નનો જવાબ તેમને કૃષિ વિભાગ અને ખેતીવાડી શાખા દ્વારા મળ્યો. તેમણે પ્રાકૃતિક ખેતી અંગેની પાયાની તાલીમ લીધી. અહીં તેમને સમજાયું કે ખેતી માટે બજારમાંથી મોંઘી વસ્તુઓ લાવવાની જરૂર નથી, બધું ખેતરમાં જ ઉપલબ્ધ છે.
તેમણે જાતે જ જીવામૃત અને ઘનજીવામૃત બનાવવાનું શરૂ કર્યું. રાસાયણિક દવાઓને બદલે વનસ્પતિ આધારિત કીટનાશકો અપનાવ્યા. આ પ્રયોગના પરિણામો ચોંકાવનારા હતા. જે જમીન કઠણ થઈ ગઈ હતી, તેમાં ધીરે-ધીરે અળસિયા અને મિત્ર કીટકો દેખાવા લાગ્યા. જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધ્યો અને તેની પાણી સંગ્રહવાની શક્તિમાં ગજબનો સુધારો જોવા મળ્યો.
ઓછો ખર્ચ, બમણો નફો આજે સુરેશભાઈ પોતાની ૫૦ ગુંઠા જમીનમાં સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી કારેલા, કાકડી અને ડાંગર જેવા પાકો લઈ રહ્યા છે. આંકડાની દ્રષ્ટિએ વાત કરીએ તો, રાસાયણિક ખેતીની સરખામણીએ તેમનો ઉત્પાદન ખર્ચ ૫૦ થી ૬૦ ટકા ઘટી ગયો છે.
માત્ર ૫૦ ગુંઠા જમીનમાં તેમણે કરેલા વાવેતરમાં કુલ ખર્ચ માત્ર ૨૦,૦૦૦ રૂપિયા થયો, જ્યારે તેની સામે તેમને ૧,૨૦,૦૦૦ રૂપિયાનું ઉત્પાદન મળ્યું. એટલે કે, સીધો ૧,૦૦,૦૦૦ રૂપિયાનો ચોખ્ખો નફો! આ આંકડા સાબિત કરે છે કે પ્રાકૃતિક ખેતી એ માત્ર સેવા નથી, પણ નફાકારક વ્યવસાય પણ છે.
સ્વાસ્થ્ય અને સમાજસેવા સુરેશભાઈની ખેતીનો સૌથી મોટો ફાયદો તેમના ગ્રાહકોને મળી રહ્યો છે. આજે લોકો ઝેરમુક્ત ખોરાક શોધતા થયા છે. સુરેશભાઈના ખેતરના શાકભાજી અને અનાજ સ્થાનિક બજારો અને ગ્રાહકોમાં હોંશે-હોંશે વેચાય છે. ગ્રાહકોને શુદ્ધ અને સાત્વિક ખોરાક મળે છે અને ખેડૂતને તેના પોષણક્ષમ ભાવ. આમ, તેઓ પોતાના પરિવાર સાથે સમાજને પણ આરોગ્યપ્રદ ખોરાક પીરસી રહ્યા છે.
અન્ય માટે પ્રેરણારૂપ “એક દીવો બીજા દીવાને પ્રગટાવે છે” – આ ઉક્તિ સુરેશભાઈએ સાર્થક કરી છે. તેમની સફળતા જોઈને ગોધાબારી અને આસપાસના ગામોના અનેક ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. સુરેશભાઈ પોતે એક મેન્ટરની ભૂમિકા ભજવી રહ્યા છે અને અન્ય ખેડૂતોને જીવામૃત બનાવતા શીખવે છે.
સુરેશભાઈ પટેલની આ સફળતાની વાર્તા એ દરેક ખેડૂત માટે એક ઉદાહરણ છે કે જો ધીરજ, નિષ્ઠા અને યોગ્ય માર્ગદર્શન હોય, તો ખેતીમાં “સોનું” પકવવું શક્ય છે. પ્રાકૃતિક ખેતી એ જ આવતીકાલનું ભવિષ્ય છે.




