નવસારીના ખેડૂત બજનભાઈ,જાપાનીઝ મિયાઝાકી કેરી અને થાઈલેન્ડની ઓલટાઈમ કાટીમાન કેરીનું પ્રાકૃતિક ઢબે ઉત્પાદન કરે છે.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આ વિદેશી કેરીઓનું ફલાવરીંગ બારેમાસ આવે છે તથા વિદેશમાં ભાવ પણ ખુબ જ સારો પ્રાપ્ત થાય છે.અલ્ટ્રા હાઈ-ડેન્સીટીપ્લાન્ટેશન સ્ટ્રક્ચર પદ્ધતિ તથા પ્રાકૃતિક ખેતી દ્વારા વિદેશી કેરીનું ઉત્પાદન કર્યું.આ પ્રયોગમાં નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના માર્ગદર્શન તથા પીપેલખેડના શિવ પ્રિયા નર્સરીના વિદેશી કલમની સહાય મેળવી.. -પ્રગતિશીલ ખેડૂત બજનભાઈ પટેલ

નવસારી ,તા.૧૬,ગુજરાતમાં ઘણા ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. સાથે ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં અવનવા પ્રયોગો કરી સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે . નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના બારતાડ ગામના ખેડૂત બજનભાઈ પટેલએ સફળ પ્રાકૃતિક ખેતી સાથે અલ્ટ્રા હાઈ-ડેન્સીટી પ્લાન્ટેશનસ્ટ્ર ક્ચરની ખેતી અપનાવી જાપાનીઝ મિયાઝાકી કેરી અને થાઈલેન્ડની ઓલટાઈમ કાટીમાન એવી વિદેશી કેરીનું ઉત્પાદન કરી અન્ય ખેડૂતો માટે એક દાખલો ઉભો કર્યો છે. એક તરફ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ ના કારણે કેરી પકવતા ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે બીજી તરફ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના આંબા પર વિદેશી કેરીઓના પાક ઝૂલી રહ્યો છે. વાંસદા તાલુકાના બારતાડ ગામના રહેવાસી અને રીટાયર્ડ નિવૃત શિક્ષક એવા બજનભાઈ પટેલ જેઓએ અલ્ટ્રા હાઈ-ડેન્સીટી પ્લાન્ટેશન સ્ટ્રક્ચર સાથે પ્રાકૃતિક ખેતી અપનાવીને પોતાની ડુંગરાળ જમીનમાં પ્રાકૃતિક કેરીનું મબલખ ઉત્પાદન તો વર્ષોથી મેળવી જ રહ્યા છે પરંતુ આ વખતે વિદેશી કેરી એવી જાપાનીઝ મિયાઝાકી કેરી અને થાઈલેન્ડની ઓલટાઈમ કાટીમાન કેરીનું પણ ઉત્પાદન મેળવ્યું છે. પોતાના ખેતરમાં કેસર, તોતાપુરી, દશેરી , લંગડો, આમ્રપાલી,રાજાપૂરીજેવી વિવિધ પ્રકારની કેરીનું ઉત્પાદન લે છે, સાથે વિદેશી ગુણવત્તાયુક્ત કેરીની ખેતીમાં પ્રાકૃતિક ખેતી કરીને સફળતા મેળવી છે.વિદેશી કેરીઓના ઉત્પાદનના સફળ પ્રયોગ બાબતે પોતાન અનુભવો અંગે વાત કરતા બજનભાઈ પટેલ કહે છે કે, નોકરીમાંથી નિવૃત થયા પહેલાથી જ હું પ્રાકૃતિક ખેતી દ્વારા ૪૦૦ જેટલા આંબા દ્વરા કેરીનું ઉત્પાદન કરતો હતો જેનાથી સારી આવક મેળવી રહ્યો હતો .પરંતુ વિદેશી કેરીની ગુણવતા અને સારા ભાવોની જાણકારી નવસારી કૃષિ યુનીવર્સીટીના વર્કશોપ તથા સેમીનારમાંથી જાણકારી પ્રાપ્ત થઈ હતી . આ દરમિયાન પીપલખેડના ખેડૂત પ્રવિણભાઈ એમ. પઢેર સાથે મુલાકાત થઈ અને તેમને પોતાના શિવપ્રિયા નર્સરી માંથી થાઈલેન્ડની ઓલટાઈમ કાટીમાન અને જાપાનીઝ મિયાઝાકી કેરી સાથે અન્ય વિદેશી કેરીની કલમો પ્રયોગિક ધોરણે આપી હતી .
જેમના કલમ રોપ્યાના પ્રથમ વર્ષેથી જ ફલાવરીંગ અને ફળ આવવા લાગ્યા હતા . આ કેરીઓના સ્વાદના મીઠાસની તપાસ નવસારી કૃષિ યુનીવર્સીટીના ડો ભુપેન્દ્રભાઈ ટંડેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી અને આ વર્ષે ૧૦૦થી વધુ વિદેશી કેરીઓની કલમોનું વાવેતર કરી વિદેશ વેચાણ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે .
આ વિદેશી કેરીના વેચાણ અંગે તેઓ કહે છે કે, આમ તો માત્ર પાંચ વિદેશી કલમો હાલ રોપ્યા છે જેમાં આ વર્ષે ૫ કીલો કેરીના જ ૧૦૦૦ રૂપિયા જેટલા ભાવ મળ્યા હતા આ ઉપરાંત વિદેશમાં આ કેરીનો ભાવ વધુ હોય આવતા વર્ષથી આ વિદેશી કેરીઓનું વધુ ઉત્પાદન કરીને વેચાણ કરવાનું લક્ષ્ય રાખેલ છે . આ વર્ષ કમોસમી વરસાદ કારણે આજુબાજુની વાડીઓની સરખામણી મારી વાડીના આંબાના પાકમાં ઓછુ નુકસાન થયું છે તેનો શ્રેય પ્રાકૃતિક ખેતીને આપે છે.
વધુમાં પ્રાકૃતિક ઢબે વિદેશી કેરીઓનું ઉત્પાદન માટે પ્રાકૃતિક તત્વો તથા ખાટી છાશમાંથી બનાવવામાં આવતા પ્રાકૃતિક જવારણ વિશે વિગતો આપતા કહે છે કે, એક ડ્રમમાં વિવિધ કુદરતી તત્વો અને ફળોનો રસ લઈને તેમાં છાશ ભેળવીને આઠ મહિના સુધી રાખવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલા જવારણનો આંબામાં જ્યારે મોર બેસે ત્યારે છંટકાવ કરવામાં આવે છે, જેથી મધમાખી, પતંગીયા જેવા મિત્ર કિટકો આકર્ષાય છે. જેથી ફલાવરીંગનું કામ સરળ થાય છે અને ગુણવક્તા યુક્ત કેરીપ્રાપ્ત થાય છે.
બજનભાઈ પટેલ અન્ય ખેડૂતોને અપીલ કરતા જણાવે છે કે, અલ્ટ્રા હાઈ-ડેન્સીટી પ્લાન્ટેશન સ્ટ્રક્ચર સાથે પ્રાકૃતિક ખેતીમાં વિદેશી કેરીઓનું ઉત્પાદન મારા માટે પ્રેરણા સમાન બની છે. તેમણે અપનાવેલી આ નવતર પદ્ધતિ અન્ય ખેડૂતો પણ અપનાવી પ્રાકૃતિક ખેતીમાં નવતર પ્રયોગ કરી શકે છે. આજના આધુનિક યુગમાં રસાયણમુક્ત ખોરાક માટે પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે. આજની ઝડપી જીવનશૈલીમાં લોકો ખાન પાનની બાબતે જાગૃત થઈ રહ્યા છે, ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને તેમના પેદાશ પ્રત્યે જાગૃત્ત થઈ રહ્યાં છે, ત્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના બારતાડ ગામના સાહસિક ખેડૂતે નવતર અલ્ટ્રા હાઈ-ડેન્સીટીપ્લાન્ટેશન સ્ટ્રક્ચર સાથે પ્રાકૃતિક ખેતી દ્વારા વિદેશી કેરીનું ઉત્પાદન અપનાવીને પ્રકૃતિ તરફ પ્રયાણ કરી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.




