NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મહાનગરપાલિકા દ્વારા સફાઈ સારથીઓ માટે મક્કમ નિર્ધાર સાથે ઝીરો વેસ્ટ તાલીમ શિબિર યોજાઈ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી ખાતે સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ અને સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૫-૨૦૨૬ અંતર્ગત નવસારી મહાનગરપાલિકાએ શહેરને ‘ઝીરો વેસ્ટ’ બનાવવાના મક્કમ નિર્ધાર સાથે એન.એમ.સી ટાઉનહોલ ખાતે સફાઈ કર્મયોગીઓ માટે વિશેષ તાલીમ શિબિરનું આયોજન કર્યું હતું. સવારે ૧૦:૩૦ થી સાંજના ૪:૦૦ કલાક સુધી યોજાયેલ આ શિબિરમાં કચરાના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન અને વર્ગીકરણની માહિતી આપવામાં આવી હતી.આ તાલીમ શિબિરમાં ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેંટના વિવિધ પ્રશિક્ષકો દ્વારા સફાઈ કર્મયોગીઓને કચરા વ્યવસ્થાપન, વર્ગીકરણ, રિસાયક્લિંગ પદ્ધતિઓ અને સ્વચ્છતાની આધુનિક ટેકનિકો અંગે વિસ્તૃત માહિતગાર કર્યા હતા. વિવિધ તકનીકી સત્રો દ્વારા કર્મચારીઓને પ્લાસ્ટિક, કાગળ, ધાતુ, બાયો-મેડિકલ કચરો તથા ઇ-કચરાના વૈજ્ઞાનિક નિકાલની પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી.

કાર્યક્રમના પ્રારંભે ડેપ્યુટી મ્યુ. કમિશ્નર દેવ ચૌધરીએ કર્મચારીઓને ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આ તાલીમમાં મેળવેલ જ્ઞાનને તેમની રોજિંદી કાર્યશૈલીમાં અપનાવી શહેરની સ્વચ્છતામાં ઉત્કૃષ્ટ યોગદાન આપવું. તેમણે સ્વચ્છ ભારત મિશનના ઉદ્દેશ્યોને સિદ્ધ કરવા તમામ કર્મયોગીઓની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી હતી. ત્યારબાદ માન. મ્યુનિસિપલ કમિશ્નર દેવ ચૌધરીએ સંબોધન કરતાં સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૫-૨૦૨૬માં નવસારીને ઉત્કૃષ્ટ સ્થાન અપાવવા માટે કર્મચારીઓને પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, દરેક કર્મચારીના સમર્પણ અને મહેનતથી જ નવસારી ‘ઝીરો વેસ્ટ’ની દિશામાં આગળ વધી શકશે અને સ્વચ્છતામાં નવા ધોરણો સ્થાપિત કરી શકશે.

આ તાલીમમાં સફાઈ સારથીઓને વિવિધ પ્રકારના પોલિમર અને તેના ઉપયોગો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. પીઈટીઈ (પીઈટી બોટલો, સલાડ ટ્રે), એચડીપીઈ (દૂધની બોટલો, શેમ્પૂની બોટલો), પીવીસી (પાઈપો, ફિટિંગ, દરવાજા-બારીના ફ્રેમ), એલડીપીઈ (કેરિયર બેગ, પેકેજિંગ ફિલ્મ), પીપી (માઇક્રોવેવ ટ્રે, કાર્પેટ), પીએસ (દહીંના પોટ, ફોમ બોક્સ, પ્લાસ્ટિક કટલરી) તથા અન્ય પ્લાસ્ટિકના પ્રકારોની ઓળખ અને તેના રિસાયક્લિંગની પદ્ધતિઓ શીખવવામાં આવી. ઉપરાંત, તાલીમમાં કાગળ (અખબાર, ઓફિસ પેપર, કોરુગેટેડ બોક્સ, છપાયેલ પુસ્તકો, શાળાની નોટબુક), ધાતુ કચરો (કેન, ટીન, એલ્યુમિનિયમ, લોખંડ, પિત્તળ, તાંબુ, સ્ટીલ), જૈવિક તથા ખતરનાક કચરો, ઈ-કચરો, બાંધકામ-તોડફોડ કચરો અને માસિક ધર્મ સ્વચ્છતા કચરાના નિકાલની પદ્ધતિઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ તમામ વર્ગીકરણ પ્રક્રિયા ‘રિયૂસ, રિયુઝ, રિસાઇકલ’ના સિદ્ધાંત પર આધારિત હતી.

નવસારી મહાનગરપાલિકાના આ પ્રયાસથી સફાઈ કર્મયોગીઓને કચરાના વૈજ્ઞાનિક વ્યવસ્થાપનની વ્યવહારુ સમજ મળી છે. આ તાલીમ શહેરને સ્વચ્છતામાં અગ્રેસર બનાવવા અને સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૫-૨૦૨૬માં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

Back to top button
error: Content is protected !!