NAVSARINAVSARI CITY / TALUKO

Navsari:નવસારી જિલ્લામાં આત્મા અંતર્ગત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ખેડૂત મહિલાઓની સક્રિય ભાગીદારી

વાત્સલ્યમ સમાચાર
   મદન વૈષ્ણવ *નવસારી જિલ્લાના ચંદ્રવાસણસુપા ગામના પ્રજ્ઞાબેન પટેલ ફકત એક વિંધામાં ૧૧ થી વધુ શાકભાજી અને ૦૩ ફળોની ખેતી કરી રહ્યા છે*

નવસારી,તા.૦૪: નવસારી જિલ્લામાં આત્મા અંતર્ગત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે ખેડૂત મહિલાઓની ભાગીદારી નવસારી જિલ્લાના લક્ષ્યને હાંસલ કરવામાં મદદરૂપ બની રહી છે. નવસારી જિલ્લાના ચંદ્રવાસણસુપા ગામના પ્રજ્ઞાબેન પટેલ ફકત એક વિંધામાં આઠથી વધુ શાકભાજી અને ત્રણ ફળોની ખેતી કરી રહ્યા છે.

પ્રજ્ઞાબેન પટેલ પોતાના ઘરની બાજુમાં જ આવેલા પોતાના નાનકડા ખેતરમાં છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ત્રણ વર્ષ પહેલા આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી હતી. જેમાં અધિકારી કર્મચારીઓને ખેડૂત ભાઇબહેનો પોતાના ઘર પરિવાર માટે પ્રાકૃતિક ખેતી કરવા શરૂઆત કરવા આગ્રહ કર્યો હતો. જેના પરિણામે પ્રજ્ઞાબેન સહિત ચંદ્રવાસણસુપા ગામના ઘણા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી.

પ્રાકૃતિક ખેતી અપનાવતા તેમણે પાકમાં આવેલા બદલાવ અંગે જાત અનુભવ કર્યો અને આજે ત્રણ વર્ષથી સતત પ્રાકૃતિક ખેતી કરી પોતાના પરિવાર અને વેચાણ માટે અનાજ, શાકભાજી અને ફળોનું ઓર્ગેનીંક ઉત્પાદન કરી રહ્યા છે. આજે તેઓના ખેતરમાં ફ્લાવર, કોબી, લાલકોબી, રીંગણ, મુળા, કાંદા, ગાજર, હળદળ, પાલક, તાંદળજાની ભાજી, રાઇ, બેબી કોર્ન, લીંબુ, કેરી, ચીકુ, સફેદ જાંબુ વગેરે પાક પોતાના પરિવાર અને વેચાણ અર્થે ઉગાડે છે.

પ્રજ્ઞાબેનના શબ્દોમા કહીએ તો, “પ્રાકૃતિક ખેતીથી શાકભાજી અને ફળોને સ્વાદ મીઠો લાગે છે. સ્વાદમાં ફર્ક  અનુભવી શકાય છે. ઉપરાંત ખાતર અને નિંદામણનો ખર્ચ નથી આવતો જેના કારણે આવક વધારે મળે છે. પ્રાકૃતિક હોવાના કારણે પાકના વેચાણમાં પણ કોઇ તકલીફ નથી પડતી. ગ્રાહકો ઘર બેઠા આવી પાક લઇ જાય છે. પ્રાકૃતિક ખેતી ખરેખર ઓછા ખર્ચે વધુ નફો આપે છે.”

આ ઉપરાંત તેઓ પાસે ૩૩ જેટલી ગાયો છે. જેમાંથી ૩ ગીર ગાય છે. જેના નિભાવ માટે સરકારશ્રી તરફથી વાર્ષિક રૂપોયા ૧૦,૮૦૦/-ની સહાય મળે છે. ૩૩ ગાયોના દુધ થકી પણ ખર્ચ બાદ કરતા ૧૫ થી ૨૦ હજારની માસિક આવક મેળવી પરિવારને આર્થીક મદદરૂપ બન્યા છે.

નવસારી જિલ્લામાં ૨૧૭૩૬ ખેડૂતો દ્વારા કુલ-૭૦૭૪ એકરમાં વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ વિસ્તારી છે. આત્મા (એગ્રિકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી) પ્રોજેક્ટ હજારો ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિની તાલીમ અને આર્થિક સહાય આપી રહી છે. રાજ્ય કક્ષાએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને જિલ્લા કક્ષાએ કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના સીધા માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટ નવસારી દ્વારા ખેડૂત ભાઇબહેનો વિવિધ તાલીમમા સહભાગી થઇ પ્રાકૃત્તિક ખેતીની વિધિવત જાણકારી મેળવી નવસારી જિલ્લાને પ્રાકૃતિક ખેતી તરફ આગળ ધપાવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!