MADAN VAISHNAVFebruary 27, 2025Last Updated: February 27, 2025
0 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ આગામી ૮મી માર્ચના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નવસારીમાં સૂચિત કાર્યક્રમના પગલે જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે કાર્યક્રમ સ્થળ પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિશાળ નારી શક્તિ સંમેલન યોજાવાનું છે, જેમાં દક્ષિણ ગુજરાતની નારી શક્તિ સહભાગી બનશે. ખાસ કરીને સરકારની વિવિધ યોજનાના લાભ મળવાથી પગભર થનારી નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાની લખપતિ દીદીઓ સાથે સંવાદનું પણ સંભવિત આયોજન છે.
ત્યારે, આ સૂચિત કાર્યક્રમ સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ કાર્યક્રમ સંદર્ભે રચાયેલી વિવિધ સમિતિઓના અધ્યક્ષ સહિતના સભ્યોને સાથે રાખીને સ્થળ પર ચાલતી તૈયારીઓનું જાત નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરશ્રીએ હેલિપેડ તેમજ સ્ટેજ સહિતના સ્થળની મુલાકાત લઈને સંબંધિત અધિકારીઓને આવશ્યક સૂચનો કર્યા હતા. તેમજ તૈયારીઓને આખરી ઓપ આપવા અંગે સૂચનો સહ માર્ગદર્શન આપ્યું હતું. જાત નિરીક્ષણ કર્યા બાદ કલેક્ટરશ્રીએ કાર્યક્રમ સ્થળ પર જ તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી.
આ નિરીક્ષણ સહ સમીક્ષા બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ અને પ્રાયોજના વહીવટદારશ્રી પ્રણવ વિજયવર્ગીય સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.