AHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૭૮મું અંગદાન: ત્રણ લોકોને નવજીવન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ: ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે રહેતા ભરતભાઈ હિરાલાલ પટેલના અવસાન પછી તેમના પરીવારજનો દ્વારા લીધેલા મહાન નિર્ણયના પરિણામે ત્રણ લોકોને નવી જિંદગી મળી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૭૮મું અંગદાન થઈ ચૂક્યું છે, જેમાં એક લીવર, બે કિડની અને બે આંખોનું દાન મળ્યું.

ભરતભાઈ હિરાલાલ પટેલ, જે દૈનિક મજૂરી કરતા હતા, તેઓ ૨૧ ફેબ્રુઆરીના રોજ ચંડોળા તળાવ, વટવા, ઇસનપુર, અમદાવાદ નજીક અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેમને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતું, ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ ડોકટરો દ્વારા તેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા.

સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે ભરતભાઈના પરીવારજનોને તેમની સ્થિતિ વિશે જાણકારી આપવામાં આવી. તેમના પરિવારના સભ્યોએ અગાઉ બે સ્વજનોને અંગ પ્રત્યારોપણ માટે જરૂરી અંગો ન મળવાના કારણે ગુમાવ્યા હતા, જેના કારણે તેઓ અંગદાનનું મહત્વ સારી રીતે સમજતા હતા. ખાસ કરીને તેમના સાળા ડૉ. પી. આર. પટેલ અને યુ.એન. મહેતા હોસ્પિટલમાં નોકરી કરતા તેમના ભાણી શ્રેયાબેન પટેલે પરિવારને અંગદાન માટે સહમત કર્યા. તેમની સાથે હાજર ૨૫ જેટલા પરીવારજનોએ પણ એકસુરે આ મહાન નિર્ણયમાં સહમતિ દર્શાવી.

ભરતભાઈના અંગોથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળ્યું છે. તેમનાથી મળેલી બે કિડની અને એક લીવર સિવિલ હોસ્પિટલના મેડિસિટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપિત કરવામાં આવશે.

હોસ્પિટલના રેકોર્ડ મુજબ, અત્યાર સુધીમાં ૧૭૮ બ્રેઈન ડેડ દર્દીઓના અંગદાન થકી ૫૭૯ અંગોનું દાન મળ્યું છે, જેના કારણે ૫૬૧ લોકોને જીવનદાન મળ્યું છે. જેમાં ૩૨૨ કિડની, ૧૫૫ લીવર, ૫૪ હૃદય, ૩૦ ફેફસા, ૧૦ સ્વાદુપિંડ, ૨ નાના આંતરડા, ૬ હાથ, ૫ સ્કિન અને ૧૨૦ આંખોનો સમાવેશ થાય છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા થતું આ પ્રકારનું મહાન કાર્ય, દેશભરમાં અંગદાન પ્રત્યે જાગૃતિ લાવશે અને વધુ લોકોને અંગદાન માટે પ્રેરણા આપશે.

Back to top button
error: Content is protected !!