KHERGAMNAVSARI

ખેરગામમાં ચીખલી રોડ ઉપર પંચાયતની લાઇનમાં બે મહિનાથી પાણી બંધ થતા લોકો પરેશાન

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

સ્થાનિક મહિલાઓ પાણીની ઝડપી સમસ્યાનો ઉકેલ આવે એ માટે પંચાયતમાં રજૂઆત કરવા પહોંચી

ખેરગામમાં ચીખલી રોડ પોસ્ટ ઓફિસ પાસે છેલ્લા બે મહિનાથી પંચાયત દ્વારા આપવામાં આવતું પાણી બંધ થતા સ્થાનિક લોકોને ઘણી હાલાકી થઈ રહી છે,આ મામલે સ્થાનિકોએ પંચાયતમાં બેથી ત્રણ વખત રજૂઆત કરી પરંતુ સમસ્યાનો ઉકેલ આવી શક્યો નથી.બુધવારે ફળિયાની મહિલાઓ પંચાયત કચેરી પહોંચી પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા રજૂઆત કરી હતી.ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા ઘરેઘર પાણી પહોંચાડવા માટે ફળિયે ફળિયે પાઇપલાઇન કાર્યરત કરવામાં આવેલી છે.જેનો ગામમાં મોટાભાગના લોકો ઉપયોગ કરે છે.ચીખલી રોડ ઉપર આવેલી પાણીની લાઇનમાં ખામી સર્જાતા છેલ્લા બે અઢી મહિનાથી પંચાયત દ્વારા આપવામાં આવતું પાણી બંધ થઈ જતા સ્થાનિક લોકોએ પાણી માટે ઘણી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.અહીં વૈકલ્પિક વ્યવસ્થા માટે અગાઉ પંચાયત દ્વારા પાણીનું ટેન્કર પણ મોકલવામાં આવ્યું હતું.કેટલાક સ્થાનિક લોકો આજુબાજુમાંથી બોરનું પાણી મેળવીને કામચલાઉ ગુજરાન ચલાવે છે તો કેટલાક પાણીના ટેન્કરમાંથી પાણી મેળવતા હોય છે.આ મામલે સ્થાનિક લોકોએ એકાદ બે વખત પંચાયતમાં રજૂઆત કરી પાણીની લાઇનની મરામત થાય તે માટે રજૂઆત પણ કરી હતી,પરંતુ બે અઢી મહિનાથી બંધ થયેલી પાણીની લાઇનમાં પાણી આવવાનું શરૂ ન થતા બુધવારે ફરીથી ચીખલી રોડ ઉપર રહેતા સ્થાનિક મહિલાઓ સરપંચને રજૂઆત કરવા પંચાયત કચેરી પહોંચી હતી,પરંતુ સરપંચ હાજર ન હોય મહિલાઓએ તલાટી સમક્ષ પોતાની વેદના ઠાલવી પાણીની સમસ્યાનો ઝડપી ઉકેલ આવે એ દિશામાં કામગીરી કરવા રજૂઆત કરી હતી. – અગાઉ આ લાઇનની મરામત માટે કામગીરી કરવામાં આવી હતી,પરંતુ તે સમયે વરસાદ સતત ચાલુ રહેતા કામ થઈ શક્યું ન હતું અને ચાલુ રસ્તા ઉપર કરેલું ખોદકામ પૂરી દેવું પડ્યું હતું.આ રસ્તો માર્ગ અને મકાન વિભાગ હસ્તક હોય અને વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી થોડી મુશ્કેલી છે,પરંતુ રસ્તો ખોદવાની પરવાનગી લઈને લાઇનની ઝડપી મરામત થાય અને લોકોને પાણી મળતું થાય તે માટે કામગીરી કરવામાં આવશે…ઝરણાબેન પટેલ,સરપંચ,ખેરગામ

Back to top button
error: Content is protected !!