નવસારી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરાયા
પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૧૯મો હપ્તાનું વિતરણ વડાપ્રધાનશ્રીના હસ્તે વર્ચ્યુઅલી કરવામાં આવ્યું
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પી.એમ.કિસાન સમ્માન નિધિ યોજનાના ૬ વર્ષ પૂર્ણ થવાના અવસરે નવસારીના સમસ્ત મતીયા પાટીદાર સમાજની વાડી ખાતે ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા કક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ ‘ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહાનુભાવોના હસ્તે કૃષિલક્ષી વિવિધ યોજના હેઠળ નવસારી ખેડૂત લાભાર્થીઓને સહાય વિતરણ કરવા સહિત ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નવસારી જિલ્લામાં ૨૭૨ લાખના ખર્ચે નિર્માણ પામેલા ૨૯ આંગણવાડીઓનું ઈ લોકાર્પણ જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કિસાન સન્માન નિધિથી ખેડૂતોને મોટી રાહત મળી છે, દેશના અન્નદાતાઓનો સતત વિકાસ એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપી આ સંકલ્પને સાકાર કરી રહી છે. આજે વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે ડી.બી.ટીના માધ્યમથી રજીસ્ટર થયેલ ખેડૂતોને સન્માન નિધિનો ૧૯મો હપ્તો આપવામાં આવે છે જે ખેડૂતને આત્મનિર્ભર બનાવવાની અસરકારક પહેલ સાબિત થઈ છે.
તેમણે કૃષિ લક્ષી યોજનાઓની વિગત આપતાં કહ્યું કે, ખેડૂત જગતનો તાત છે અને આ જગતના તાતને યોગ્ય સન્માન મળે તે માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે તેમજ સંનિષ્ઠ અને પ્રામાણિક પ્રયત્નો કર્યા છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને ‘જળ સંરક્ષણ – જન ભાગીદારી” અભિયાનમાં જોડાવા અપીલ કરી કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરવાનું માર્ગદર્શન આપ્યું હતું. આજે પાણીની બચત કરીશું તો ભવિષ્યની પેઢી માટે પાણીની બચત થશે અને પીવા તથા પિયત માટે પાણીની અછતને દૂર કરી શકીશું, તેમ શ્રી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ ઉપરાંત નવસારી જિલ્લામાં કુપોષણ મુક્ત અભિયાન, ધુમાડા રહિત ગામ, પ્રાકૃતિક કૃષિ, સ્વચ્છ ભારત મિશન, રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવા અનેક વિષયોને શ્રી સી.આર. પાટીલે પોતાના સંબોધનમાં આવરી લઈને સરકારના કલ્યાણકારી અભિગમથી ઉપસ્થિત સૌને વાકેફ કર્યા હતા.
ભારતના બિહાર રાજ્યના ભાગલપોરથી રાષ્ટ્રીય કક્ષાનો વડાપ્રધાનશ્રીના હસ્તે યોજાયેલ કિસાન સન્માન સમારોહ કાર્યક્રમ ઉપસ્થિત લોકોએ વર્ચ્યુઅલી નિહાળીયો હતો. કાર્યક્રમના પ્રારંભમાં જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ મહેમાનોને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
અત્રે નોંધનીય છે કે, વડાપ્રધાનશ્રીના હસ્તે PM કિસાન સન્માન નિધિના ૧૯મા હપ્તા પેટે સમગ્ર દેશના ૯.૭ કરોડથી વધુ ખેડૂતોને રૂ.૨૨,૦૦૦ કરોડથી વધુની સહાય બેન્ક ખાતામાં જમા કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઈ, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ અંબાબેન માહલા, નવસારી મહાનગરપાલિકા કમીશ્નર દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, વાંસદા પ્રયોજન વહીવટદાર પ્રણવ વિજયવર્ગીય ,નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ , જિલ્લાના અધિકારીશ્રીઓ સહિત નવસારી જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.