નવસારી જિલ્લાના ગણદેવીની ડી.આઇ. કે. કન્યા વિદ્યાલયમાં “સુગર અવેરનેસ સેમિનાર” કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સર સી.જે ન્યુ હાઈસ્કૂલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી ડી.આઇ.કે, કન્યાવિદ્યાલય ગણદેવી ખાતે સુગર અવરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગણદેવી તાલુકાના હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉ. બૉનીબેન વૈદ્યની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે મેડિકલ ઓફિસર ડૉ. બૉનીબેને શાળાની વિદ્યાર્થીનીઓને સુગર એટલે કે ડાયાબિટીસ એટલે શું? ટાઈપ ૧ અને ટાઈપ ૨ પ્રકારના ડાયાબિટીસ વિશે જાણકારી આપવામાં આવી હતી. તેમજ તે થવાના કારણો અને બોડીમાં સુગર લેવલ જરૂરિયાત કરતાં ન વધે તે માટે રાખવાની તકેદારી વિશે સુંદર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીનીઓને દૈનિક આહારમાં શું લેવું જોઈએ અને શરીરમાં સુગર લેવલ કેવી રીતે જાળવવું જોઈએ તેની વિસ્તૃત સમજ આપી હતી. યુવા પેઢી દ્વારા આરોગવામાં આવતા જંક ફૂડ અને ઠંડાપીણા તેમજ તેમાં રહેલી સુગરની માત્રા વિશે સમજણ આપી, તેના દ્વારા ભવિષ્યમાં સ્વાસ્થ્ય ને થનાર નુકસાન વિશે સૌને સચેત કર્યા હતા. વધુ પડતી ખાંડના તેમજ બેકરી આઈટમો અને જંક ફૂડના ઉપયોગની સાથે સંકળાયેલા સ્વાસ્થ્ય જોખમો વિશે જાગૃત કર્યા હતા અને આરોગ્યપ્રદ આહાર તેમજ નિયમિત શારીરિક કસરતો અને પૂરતી ઊંઘ દ્વારા સુગર લેવલ કેવી રીતે જાળવી શકાય તેની વિસ્તૃત સમજણ આપી હતી. વક્તવ્ય બાદ વિદ્યાર્થીનીઓએ પ્રશ્નો પૂછી પોતાની જિજ્ઞાસા સંતોષી હતી. કાર્યક્રમના પ્રારંભમાં શાળાના આચાર્ય મિતલબેન દેસાઈએ ડૉ. બૉનીબેન વૈદ્યનું શાબ્દિક તેમજ પુસ્તક અને રોપા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના માધ્યમિક વિભાગના શિક્ષિકા વૈશાલીબેન ધીવરે કર્યું હતું. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સિદ્ધાર્થભાઈ દેસાઈ ટ્રસ્ટી અરવિંદભાઈ કાપડીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.




