વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દક્ષિણ ગુજરાતનાં દુર્ગમ આદિવાસી વિસ્તારોમાં ડાંગ, તાપી અને નવસારી, જ્યાં શિક્ષણ ક્યારેક એક સપનુ હતુ.ત્યાં આજે નવી પેઢી માટે આશાની ઇમારતો – શાળાઓ, કોલેજો અને આધુનિક સંસ્કાર કેન્દ્રોનું નિર્માણ થઈ રહ્યું છે.સુરતનાં દીપક મહેતા, જેઓ જંગલ પ્રત્યેના પોતાના પ્રેમને કારણે છેલ્લા 30 વર્ષથી ડાંગનાં જંગલોમાં ટ્રેકિંગ કરતા હતા, તેઓ આજે આ વિસ્તારો માટે આશાનું કિરણ બનીને ઉભરી આવ્યા છે.દિપકભાઈ મહેતાએ ડાંગની આશ્રમશાળાઓ, છાત્રાલયો અને હાઈસ્કૂલોની દયનીય સ્થિતિ જોઈ ખાસ કરીને આદિવાસી દીકરીઓ માટેના અપૂરતા શૌચાલય જોઈને ઊંડુ દુઃખ અનુભવ્યુ હતુ.આ પરિસ્થિતિ બદલવા માટે તેમણે કંઈક કરવાનું દ્રઢ નિશ્ચય કર્યો.
બાદમાં વર્ષ 2011માં તેમને એથર ઇન્ડસ્ટ્રીઝ, સુરતના ઉદ્યોગપતિ અશ્વિનભાઈ દેસાઈ અને પૂર્ણિમાબેન દેસાઈનો સહયોગ મળ્યો. એથર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ડાંગ સ્વરાજ આશ્રમ શાળા કાલીબેલમાં 10 શૌચાલય અને 10 બાથરૂમ બનાવવા માટે પ્રથમવાર ભંડોળ પૂરું પાડવામાં આવ્યુ હતુ.આ એક મહત્વાકાંક્ષી યાત્રાની શરૂઆત હતી.વર્ષ 2011 થી 2019 દરમિયાન, દીપકભાઈ મહેતાએ ડાંગમાં હોસ્ટેલ, શૌચાલય અને શાળાઓનું નિર્માણ કર્યું.2020માં લોકડાઉન દરમિયાન પણ, એથર ઇન્ડસ્ટ્રીઝના સતત સહયોગથી દર વર્ષે 4 થી 5 નવી શાળાઓ અને કોલેજોનું નિર્માણ કાર્ય ચાલુ રહ્યુ.
આજે તેઓ ડાંગ, તાપી અને નવસારી જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની ક્રાંતિ લાવી રહ્યા છે.ડાંગ જિલ્લામાં નિર્માણ પામી રહેલી પ્રથમ સેલ્ફ-ફાઇનાન્સ કોલેજ–એસ.એસ.માહલા કોલેજ પણ એથર ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી ઊભી રહી છે.આ કોલેજમાં બાળકોને સંપૂર્ણપણે મફત અભ્યાસ કરાવવામાં આવે છે.આ ઉપરાંત, જિલ્લાની પ્રથમ મોટી સ્કૂલ બસ પણ આ કોલેજને પૂરી પાડવામાં આવી છે.અત્યાર સુધીમાં, દીપક મહેતાએ 4 કોલેજો, 11 શાળાઓ, 7 હોસ્ટેલ અને અસંખ્ય શૌચાલયોનું નિર્માણ કર્યું છે.તેમનો આગામી ધ્યેય 2045 સુધીમાં 100 શાળાઓ બનાવવાનો છે. માત્ર શૈક્ષણિક સંસ્થાઓ જ નહીં, તેમણે આશરે 1000 લોકોને રોજગાર આપીને અનેક પરિવારોનું જીવન બદલ્યું છે.આ ઉપરાંત, તેમણે ડાંગ, તાપી અને નવસારી જિલ્લામાં કુલ 17 મંદિરો પણ બનાવ્યા છે અને 98 વખત રક્તદાન કરીને જીવન બચાવવાનું કાર્ય કર્યું છે.સુરતનાં દીપક મહેતા આજે ડાંગ જિલ્લા માટે માત્ર એક પ્રેરણાસ્ત્રોત નથી, પરંતુ એક છુપાયેલા વિસ્તાર માટે ઉજાસ બનીને ઊભા રહ્યા છે. જ્યાં પહેલા ઘોર અંધકાર હતો, ત્યાં હવે શિક્ષણનો દીવો ટમટમી રહ્યો છે. તેમનું આ અભિયાન સફળ ઉદ્યોગપતિઓ અને સામાજિક સંસ્થાઓના સહયોગથી આકાર પામ્યું છે.અનેક વિદ્યાર્થીઓએ આ નવી શાળાઓથી લાભ મેળવી શિક્ષણ તરફ આગળના પગલાં ભર્યા છે.”જ્યાં સુધી શિક્ષણ નહીં પહોંચે, ત્યાં સુધી વિકાસ અધૂરો રહેશે,” એવું માનનારા દીપક મહેતા આજના યુવાનો માટે આશાનો દીવો બનીને ઊભા છે, જેઓ શિક્ષણના પ્રકાશથી ડાંગ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારોને પણ રોશન કરી રહ્યા છે. ડાંગ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે ઉત્તરદાયિત્વ નિભાવનાર એથર ગ્રુપનાં માલિક અશ્વિનભાઈ દેસાઈ અને શિક્ષણ ક્ષેત્રે ઉજાસ પાથરનાર દિપકભાઈ મહેતાની કામગીરી આજે ઉડીને વળગી રહી છે..