“ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન”અંતર્ગત નવસારી જિલ્લાના આદિવાસી લોકોને પાયાની સુવિધાઓ પૂરી પાડવાનું લક્ષ્ય

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના ૨૩૮ ગામોના ૪,૯૩,૪૬૧ જેટલા આદિજાતિ લોકોને આ અભિયાન અંતર્ગત આવરી લેવાનો લક્ષ્યાંક
ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ દેશના ૭૦૦ થી વધુ જનજાતિઓ માટે ૩૦ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૫૪૯ જિલ્લાઓના ૬૩,૮૪૩ ગામોમાં રહેતી ૫.૩૮ કરોડની આદિજાતિ વસ્તી માટે પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય છે. જેમાં ગુજરાત રાજ્યના ૨૧ જિલ્લાઓના આદિવાસી વિસ્તારો અને સમુદાયોના સર્વગ્રાહી અને ટકાઉ વિકાસને સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારની વિવિધ યોજનાઓ દ્વારા આવાસ, ઇન્ફ્રાસ્ટ્રકચર, આરોગ્ય અને પોષણ, શિક્ષણ, આજીવિકા, વીજળી જેવી વિવિધ પાયાની સુવિધાઓ પુરી પાડવા માન.વડાપ્રઘાનશ્રીના આવતા ૫ વર્ષના વિઝન હેઠળ રૂા.૭૯,૧૫૬/- કરોડના બજેટ સાથે આદિજાતિ બાબતોના મંત્રાલય સહિત ૧૭ મંત્રાલયો દવારા ૨૫ હસ્તક્ષેપોમાં લાગુ કરવામાં આવશે.
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ અંતર્ગત શરુ કરવામાં આવેલ ધરતી આબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA JGUA) હેઠળ નવસારી જિલ્લાના ૦૬ તાલુકાના કુલ ૨૩૮ ગામોના ૧,૦૬,૦૧૭ ઘરોના ૪,૯૩,૪૬૧ જેટલા આદિજાતિ લોકોને આ અભિયાન અંતર્ગત આવરી લેવાનો લક્ષ્યાંક છે.
આ અભિયાન અંતર્ગત આદિજાતિ લોકોના સર્વાગી વિકાસ માટે વિવિધ લક્ષ્યોને ધ્યાનમાં લઈ ઉત્કર્ષ કામગીરીઓ કરવામાં આવે છે. જેમાં સક્ષમ માળખાગત સુવિધાઓનો વિકાસના લક્ષ્ય અંતર્ગત આદિજાતિ લોકોને રહેવા માટે પાક્કા ઘર, લોકોની સુવિધા માટે પાક્કા રસ્તાઓ, અંતરિયાળ ગામોને મોબાઇલ અને ઇન્ટરનેટ કનેક્ટિવીટી ઉપલબ્ધ કરાવવી, આરોગ્ય, પોષણ અને શિક્ષણની સુવિધા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપબ્ધ કરાવવું. તેમજ, આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહનના લક્ષ્ય અંતર્ગત આદિજાતિ લોકોને સ્કીલ ઇન્ડિયા મિશન અંતર્ગત તાલીમ પુરી પાડવી, ટ્રાયબલ મલ્ટિ-પર્પઝ માર્કેટિંગ સેન્ટર દ્વારા માર્કેટિંગ સપોર્ટ આપવો, હોમ-સ્ટે અંતર્ગત પ્રવાસન દ્વારા વેગ આપવો તેમજ એફ.આર.એ. પટ્ટાધારકોને ખેતી, પશુપાલન અને મત્સ્યપાલન દ્વારા લાભ આપવો. સાથે, સારા શિક્ષણની સુવિધા, લક્ષ્ય અંતર્ગત જિલ્લા/તાલુકા સ્તરે ટ્રાયબલ હોસ્ટેલ અને સ્કૂલ બનાવીને આદિજાતિ બાળકો માટે શિક્ષણની સુવિધા સુલભ બનાવવી. આ ઉપરાંત, સ્વસ્થ જીવન અને પ્રતિષ્ઠિત જીવન લક્ષ્ય અંતર્ગત આદિજાતિ લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્યની સુવિધા ઉપલ્બધ કરાવવી, જ્યા ૧૦ કિમીથી વધુ અંતરે અને પહાડી વિસ્તારોમાં ૫ કિમીથી વધુ અંતરે સબ-સેન્ટર છે તેવા વિસ્તારોમાં મોબાઇલ મેડિકલ વાન ઉપલબ્ધ કરાવવી વિગેરે જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો હેતુ ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો છે. આગામી ૦૫ વર્ષમાં વિવિધ કામગીરી કરી લક્ષ્યાંક હાંસલ કરવાનો ધ્યેય છે.



