આદિજાતી મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે કલિયારી ગ્રામ પંચાયત ભવન તથા આછવણી ગામે લાઈબ્રેરીનું લોકાર્પણ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
{ ગ્રામ્ય વિકાસને પ્રાથમિકતા આપતી રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દરેક વિકાસ કાર્યમાં જોવા મળે છે }
– આદિજાતી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ
રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલે આજરોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કલિયારી ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત મકાન તથા ખેરગામ તાલુકાના આછવણી ગામે નવનિર્મિત લાઈબ્રેરી મકાનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ અવસરે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નવનિર્મિત ગ્રામ પંચાયત મકાનથી સુવિધાઓમાં વધારો થશે અને ગ્રામ્ય વહીવટ વધુ સુચારુ તથા કાર્યક્ષમ બનશે. આજે લોકાર્પણ થયેલા તમામ વિકાસકાર્યો રાજ્ય સરકારની ગ્રામ્ય વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે. આદિજાતી મંત્રીશ્રી નરેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આછવણી ગામની લાઈબ્રેરી ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ, વાંચન અને જ્ઞાનવર્ધન માટે મહત્વની ભૂમિકા ભજવશે. ગ્રામજનોના સહયોગથી નિર્મિત આ લાઈબ્રેરી ખાસ કરીને યુવા વર્ગ અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થશે તથા ગ્રામ્ય વિકાસને નવી દિશા આપશે. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વિકાસકાર્યો બદલ આભાર વ્યક્ત કર્યો હતો.






