
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લામાં હાલના કમોસમી વરસાદને કારણે ઘાસના પૂડા ભીંજાઈ નષ્ટ થઈ જતા આ ચારો પશુઓ ને ખાવા લાયક રહ્યો નથી જેના કારણે જિલ્લાના ખેડૂતો પરિસ્થિતિવશ લાચાર બન્યા છે. માટે ચારો ઉપલબ્ધ કરાવવા વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.
નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી અનિયમિત કમોસમી વરસાદ પડયો છે. જેમાં ખાસ કરીને વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાઓમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઘાસના પૂડા સંપૂર્ણપણે ભીંજાઈ નષ્ટ થઈ જવા પામ્યા છે. જેના પગલે ગામડાંઓમાં પશુઓ માટે સૂકો ચારો ઉપલબ્ધ રહ્યો નથી આ વિસ્તારોના મોટા ભાગના ખેડૂતો આદિવાસી વર્ગના છે, જેમની મુખ્ય આજીવિકા ખેતી અને પશુપાલન પર આધારિત છે. હાલના વરસાદને કારણે પાક ઉપરાંત પશુઓ માટેના ઘાસ-ચારા પણ બરબાદ થતા આ વિસ્તારના ખેડૂતો સહિત પશુપાલકો ગંભીર મુશ્કેલીમાં મુકાયા છે. પશુઓને પૂરતો ખોરાક ન મળવાથી એમના આરોગ્ય પર પણ ગંભીર અસર થવાની શક્યતા ઉભી થઈ છે. તેથી ખાસ રજૂઆત છે.કે નવસારી જિલ્લાના વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાઓમાં તાત્કાલિક ચારો કેમ્પ શરૂ કરવામાં આવે અથવા જિલ્લા કક્ષાએથી પૂરતો ઘાસ-ચારો વિતરણ માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે, જેથી પશુપાલકોને સમયસર રાહત મળી શકે માટે જિલ્લા પ્રશાસન દ્વારા આ પરિસ્થિતિમાં તાત્કાલિક સહાયરૂપ પગલાં લેવામાં આવે તેવી વિનંતીની સાથે લેખિત રજૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નવસારી જિલ્લા કલેક્ટરને મોકલામાં આવી છે.






