GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી:”ઓપરેશન શિલ્ડ” મોકડ્રિલ ભાગ 2 અંતર્ગત નવસારી જિલ્લામાં સંપૂર્ણ અંધારપટ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી,તા.૩૧: ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આજરોજ સિવિલ ડીફેન્સ મોકડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી. જે અન્વ્યે નવસારી જિલ્લા સહિત ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં “ઓપરેશન શિલ્ડ” મોકડ્રિલ યોજાઇ હતી. “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત મોકડ્રિલનો આ પ્રથમ તબક્કો હતો. બીજા તબક્કામાં સાંજે ૮.૦૦થી ૦૮:૩૦ કલાક સુધી નાગરિકો દ્વારા સ્વયંભૂ અંધારપટ (બ્લેક આઉટ) કરવાનું આયોજન હતું. જેમાં રાત્રીના ૮ વાગતા સાઇરન વાગતાની સાથે જ નાગરિકોએ ફટાફટ પોતાના ઘર સહિત દુકાનો અને આસપાસની લાઇટો બંધ કરી દીધી હતી. આટલુ જ નહી, આ સમય દરમિયાન રસ્તા ઉપર પસાર થતા વાહનચાલકો દ્વારા પણ સુરક્ષિત રીતે વાહન સાઇડ ઉપર પાર્ક કરી લાઇટ બંધ કરી દઇ અંધારપટમાં સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. નવસારીના નાગરિકોની જાગૃતતા અને સભાનતાના કારણે જિલ્લામાં રાત્રે ૮.૦૦થી ૦૮:૩૦ કલાક સુધી સંપૂર્ણપણે અંધારપટ છવાઇ ગયો હતો.

નોંધનિય છે કે, દેશ સામે જ્યારે કોઇ ઇમર્જન્સી ઉભી થાય ત્યારે નવસારી જિલ્લો પણ ખભેખભો મિલાવી તૈયાર છે, તેનો પરિચય આ અંધારપટ દ્વારા નવસારીવાસીઓએ આપ્યો હતો. આ બ્લેકઆઉટ પહેલા નવસારી જિલ્લાના ફાયર વિભાગ, મહાનગરપાલિકા, ગ્રામ સ્તરે તલાટી સહિત વિવિધ વિભાગોએ વિવિધ વિસ્તારમાં જઈને નાગરિકોને બ્લેકઆઉટ વિશે સમજણ આપી હતી. તેમજ બ્લેકઆઉટ દરમિયાન શું કરવું અને શું ન કરવું જોઈએ એ વિશે તેમજ સ્થાનિત તંત્રની સૂચનાનું પાલન કરી સરકાર સાથે સંકલનમાં રહેવા માહિતગાર કરવામાં આવ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!