થરાદ તાલુકાના ગડસીસર પીરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ તલાટીની બેદરકારી આવી સામે

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
જર્જરિત બસસ્ટેન્ડ, કમિટી હોલ છતાં છ મહિના બાદ પણ કાર્યવાહી શૂન્ય – બાવળ કટીંગમાં ગેરકાયદે વસુલાત, ગામજનોના જીવ જોખમે
થરાદ તાલુકાની ગડસીસર તથા પીરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટી દ્વારા કરવામાં આવી રહેલી ઘોર બેદરકારી સામે હવે ગામજનોએ ખુલ્લેઆમ આક્રોશ વ્યક્ત કર્યો છે. બન્ને ગામના બસસ્ટેન્ડ તેમજ પીરગઢનો કમિટી હોલ અત્યંત જર્જરિત હાલતમાં હોવા છતાં છેલ્લા છ મહિનાથી “પાડવાનો ઠરાવ” લેવાયો હોવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી ન થતાં લોકો જીવનું જોખમ લઈ અવરજવર કરવા મજબૂર બન્યા છે.
ગામજનોએ જણાવ્યા મુજબ પંચાયતની ગંભીર બેદરકારીના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી સરપંચ અને તલાટીની રહેશે.
બીજી તરફ, ગડસીસર ગામની ભાગોળે ઊભેલા ગાંડા બાવળની જાડી કટીંગમાં મોટા પાયે ગેરકાયદે વસુલાત થતી હોવાની ચર્ચાએ ભારે ચકચાર જગાવી છે. રાજસ્થાન તરફથી આવતા લોકો પાસેથી એક-એક ટોલે રૂ.1000 જેટલી રકમ વસૂલવામાં આવતી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. આ સમગ્ર પ્રક્રિયામાં સરપંચ અને તલાટીની સીધી સંડોવણી હોવાની ગામમાં ખુલ્લેઆમ ચર્ચા ચાલી રહી છે.
પીરગઢ ગામમાં પીવાના પાણીની પણ ભારે તંગી જોવા મળી રહી છે, જ્યારે ગામમાં કચરો ચારે બાજુ વેરવિખેર પડેલો છે, સ્વચ્છતા માત્ર કાગળ પર જ હોવાનું ચિત્ર સામે આવ્યું છે. એટલું જ નહીં, ગડસીસર ગામમાં આવેલી ડેરીનું ગંદુ પાણી ખુલ્લેઆમ રોડ અને રસ્તા ઉપર વહી રહ્યું છે, જેના કારણે દુર્ગંધ અને રોગચાળાનો ભય ઊભો થયો છે.
આ સમગ્ર મુદ્દે મીડિયા દ્વારા સરપંચનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો પરંતુ સરપંચ ફોન ઉપાડતા ન હોવાથી તેમના દીકરા દ્વારા ટેલિફોનિક વાત કરવામાં આવી. મીડિયા દ્વારા જ્યારે બાવળ કટીંગની વસુલાત અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે જવાબ મળ્યો કે “આ રૂપિયા પંચાયત માટે વાપરીએ છીએ.” સરકાર તરફથી ગ્રાન્ટ ન મળતી હોવાની વાત કરતા તેઓ ઉશ્કેરાઈ ગયા અને કહ્યું કે “તમે રૂપિયા પડાવવા આવ્યા છો? તમારે ક્યાં જોવાનું છે?”
આવી ઉદ્ધત ભાષા અને જવાબદારીથી ભાગતું વલણ સરપંચ તલાટીની બેદરકારી અને મનમાનીને સ્પષ્ટ કરે છે. અગાઉ પણ પૂર વખતે પીરગઢ ગામના લોકોએ સરપંચ વિરુદ્ધ ભારે રોષ વ્યક્ત કર્યો હતો, છતાં આજદિન સુધી કોઈ સુધારો જોવા મળતો નથી.




