AHAVADANGGUJARAT

નવસારી બી.આર. ફાર્મ ખાતે યોજાયેલ મિલેટ મહોત્સવમાં ડાંગના અંબિકા ફાર્મ આઉટલેટને આપી નવી ઓળખ”

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ગામડાંની મહેનતને શહેર સુધી પહોંચાડતું અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપતું નવસારી મિલેટ મહોત્સવ મંચ

“સરકારના મિલેટ મહોત્સવ જેવા પ્લેટફોર્મથી  અમારી મહેનતને સાચો બજાર અને યોગ્ય ભાવ મળી રહ્યો છે.”

– બ્રિજેશભાઈ ( અંબિકા હળદર ફાર્મ આઉટલેટ )

ડાંગ જિલ્લાના જામલાપાડા ગામના અંબિકા હળદર ફાર્મ આઉટલેટના બ્રિજેશભાઈ બિરારી માટે ખેતી માત્ર રોજીંદું કામ નહીં, પરંતુ સંસ્કાર અને સંઘર્ષની કહાની છે. કુદરતી પદ્ધતિથી ઉગાડેલા દેશી કઠોળ, ચોખા ,હળદર અને અન્ય પ્રાકૃતિક  ઉત્પાદનોમાં તેમણે હંમેશા ગુણવત્તા જાળવી, પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે યોગ્ય બજારના અભાવે તેમની મહેનતને પૂરતું મૂલ્ય મળતું નહોતું. ગામની હદોમાં જ સીમિત રહેલી આ મહેનત હવે ધીમે ધીમે નવી દિશા પકડતી જોવા મળી રહી છે. નવસારી મિલેટ મહોત્સવ જેવા સશક્ત પ્લેટફોર્મના કારણે બ્રિજેશભાઈએ માત્ર ખેતી સુધી મર્યાદિત ન રહી, પરંતુ “અંબિકા પ્રાકૃતિક ફાર્મ આઉટલેટ” દ્વારા પોતાનો વ્યવસાય વિકસાવ્યો છે. આજે તેઓ રાજ્યભરના વિવિધ મેળાઓમાં ભાગ લઈ સ્થિર આવક મેળવી રહ્યા છે. આ પહેલે તેમને આત્મનિર્ભર બનાવી સાથે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાસ્ત્રોત બનાવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિવિધ મેળા અને મહોત્સવો બ્રિજેશભાઈ જેવા ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યા છે. નવસારીમાં યોજાયેલ મિલેટ મહોત્સવ હોય કે અન્ય પ્રાકૃતિક અને કૃષિ આધારિત કાર્યક્રમો—બ્રિજેશભાઈ સતત આવા પ્લેટફોર્મનો લાભ લઈ પોતાના ઉત્પાદનોને સીધા ગ્રાહકો સુધી પહોંચાડી રહ્યા છે. હવે તેઓ માત્ર એક મહોત્સવ સુધી મર્યાદિત નથી, પરંતુ રાજ્યભરના વિવિધ સ્થળોએ યોજાતા કાર્યક્રમોમાં ભાગ લઈને પોતાની ઓળખ મજબૂત બનાવી રહ્યા છે અને સ્થિર આવકનું સ્ત્રોત ઊભું કરી રહ્યા છે. બ્રિજેશભાઈ ગર્વ સાથે કહે છે કે, “સરકાર દ્વારા મળતા આવા પ્લેટફોર્મ અમારા માટે બજારના દરવાજા ખોલે છે. અમે હવે માત્ર ઉત્પાદન કરતા નથી, પરંતુ આત્મવિશ્વાસ સાથે વેચાણ પણ કરી રહ્યા છીએ.” તેમના આ શબ્દોમાં એક નવા યુગના ખેડૂતની છબી દેખાય છે—જે પોતાની મહેનતને યોગ્ય દિશામાં લઈ જવાની ક્ષમતા ધરાવે છે.

આવા મહોત્સવોમાં મળતા પ્રતિસાદથી બ્રિજેશભાઈને માત્ર આવક જ નહીં, પરંતુ ગ્રાહકોનો વિશ્વાસ પણ મળ્યો છે. શહેરના લોકો હવે તેમની પ્રોડક્ટ્સને ઓળખવા લાગ્યા છે, જે તેમને વધુ પ્રેરણા આપે છે. આ સમગ્ર પ્રક્રિયામાં સરકાર અને વહીવટીતંત્ર દ્વારા ઉભું કરાયેલું વેચાણ પ્લેટફોર્મ એક મજબૂત કડી બની રહ્યું છે, જે ગામડાં અને શહેર વચ્ચેનો અંતર ઘટાડે છે.

બ્રિજેશભાઈ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે કે, આવા અવસરોના કારણે આજે તેઓ  આત્મનિર્ભર જીવન જીવી રહ્યા છે અને અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે.

આ સફળતા ગાથા એ દર્શાવે છે કે, જો યોગ્ય માર્ગદર્શન અને સતત મળતા વેચાણ પ્લેટફોર્મનો સહારો મળે, તો ગામડાંની મહેનત માત્ર ખેતર સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ બજારમાં પોતાની આગવી ઓળખ બનાવીને જીવનમાં સમૃદ્ધિ લાવી શકે છે.

નવસારી મિલેટ મહોત્સવનો મુખ્ય હેતુ માત્ર પ્રાચીન અને પૌષ્ટિક ધાન્ય ‘મિલેટ્સ’ને પ્રોત્સાહન આપવાનો જ નથી, પરંતુ ખેડૂતોને સશક્ત વેચાણ પ્લેટફોર્મ પૂરું પાડી તેમની આવકમાં વધારો અને આત્મનિર્ભરતા તરફ દોરી જવાનો પણ છે. આવા મહોત્સવો દ્વારા ગ્રામ્ય ઉત્પાદનોને શહેરમાં યોગ્ય ઓળખ અને બજાર મળી રહ્યું છે, જે આ આયોજનની સફળતા સ્પષ્ટ રીતે દર્શાવે છે. નવસારીમાં મળેલ પ્રતિસાદ એ સાબિત કરે છે કે, સરકારની આ પહેલ ખેડૂત અને ગ્રાહક વચ્ચેનું અંતર ઘટાડીને એક સકારાત્મક પરિવર્તન લાવી રહી છે.

Back to top button
error: Content is protected !!