રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
મુંદરા તાલુકામાં સ્વચ્છતા અભિયાનની નવી પહેલ : બગડા ગામ હવે દર મહિને કરશે સામૂહિક સફાઈ
મુંદરા, તા. 27 : માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા “સેવા પખવાડિયા” અંતર્ગત, સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજ અને ક.વી.ઓ. જૈન મહાજન ભુજ દ્વારા મુંદરા તાલુકામાં “ગામતળ સફાઈ” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગંદકીથી થતા રોગચાળાને અટકાવી લોકોને સ્વચ્છ અને સ્વસ્થ જીવન પ્રદાન કરવાનો છે. આ અભિયાનનો પ્રારંભ બગડા ગામે કરવામાં આવ્યો, જ્યાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક શ્રમદાન આપ્યું અને દર મહિને સામૂહિક સફાઈ કરવાની જાહેરાત કરીને અન્ય ગામો માટે એક પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ અભિયાન અશનવ્રતધારી અને જૈન સમાજરત્ન તારાચંદભાઈ જગશીભાઈ છેડાની પ્રેરણા અને બંને સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ શરૂ થયું. આ પ્રસંગે જીગર છેડાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “સ્વચ્છતા હી સ્વસ્થતા”ના સૂત્રને સાકાર કરવા માટે આ અભિયાન એક પહેલ છે. તેમણે ગ્રામજનોને દર મહિને એક દિવસ પાંખી પાડીને ગામની સફાઈ કરવા જણાવ્યું. આ સાંભળીને બગડા ગામના ગ્રામજનોએ તરત જ જાહેરાત કરી કે તેઓ હવેથી દર મહિને એકવાર સામૂહિક સફાઈ અભિયાન શરૂ કરશે. આ જાહેરાતને સૌએ વધાવી લીધી અને જીગર છેડાએ આ પહેલને અન્ય ગામો માટે પ્રેરણાદાયક ગણાવી. તેમણે વધુમાં જણાવ્યું કે તેમના પૂજ્ય પિતાશ્રીએ સેવાની જે જ્યોત પ્રગટાવી છે તેને સૌ સાથે મળીને વધુને વધુ પ્રજ્વલિત કરવામાં આવશે.
આ સફાઈ અભિયાનમાં સફાઈ અભિયાનના ઇન્ચાર્જ ભાવેન્દ્રસિંહ જાડેજા, રામભાઈ ગઢવી, સમાઘોઘા ગામના યુવા સરપંચ હરેન્દ્રસિંહ જાડેજા, બગડા ગામના સરપંચ મુરજીભાઈ આહિર, કણઝરાના સરપંચ શંભુભાઈ આહિર, વાધુરાના સરપંચ વાલાભાઈ આહિર, મુંદરા તાલુકા ભાજપના મહામંત્રી જીગ્નેશભાઈ હુંબલ, બગડા ગામના પૂર્વ સરપંચ ગંગાભાઈ અને ગોપાલભાઈ, ફાચરિયા ગામના અગ્રણી રમેશભાઈ, બાબુભાઈ તેમજ ગામના ઉત્સાહી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગામના સરપંચ મુરજીભાઈ આહિરે આ સેવાકીય પ્રવૃત્તિઓ બદલ આભાર વ્યક્ત કર્યો અને સહયોગની ખાતરી આપી. કણઝરાના સરપંચ શંભુભાઈ આહિરે જણાવ્યું કે આ સંસ્થાઓએ વર્ષો જૂની મહાજન પરંપરાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ પ્રસંગે, બગડા, ફાચરિયા, વાધુરા અને કણઝરા ગામના સરપંચો અને આગેવાનો દ્વારા જીગર તારાચંદભાઈ છેડાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. ઉપરાંત, ગામના આગેવાનોએ પધારેલા મહેમાનોનું પણ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુંદરા તાલુકા ભાજપના મહામંત્રી જીગ્નેશભાઈ હુંબલે કર્યું અને આભાર દર્શન માજી સરપંચ ગોપાલભાઈ આહિરે કર્યું. એવું કાર્યાલય મંત્રી અંકિત ગાલાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com