વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારમાં 10 હજાર જેટલા વિવિધ જાતનાં વૃક્ષોનું વાવેતર કરી પ્રકૃતિને બચાવવા માટે અનુરોધ કર્યો..
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતનાં પ્રમુખ સુરેશભાઈ ચૌધરીએ વનોના સંરક્ષણ અને વૃક્ષારોપણ માટે એક અનોખી પહેલ કરી છે. તેમની રાજકીય સફરની સાથે સાથે, તેઓ એક પ્રખર પ્રકૃતિ પ્રેમી પણ છે.અત્યાર સુધીમાં, તેમણે 10 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે, જે આજે વટવૃક્ષ બનીને ઊભા છે.વિશ્વ પર્યાવરણ દિવસ (5 જૂન) ના અવસરે, સુરેશભાઈ ચૌધરીએ સર્વેને શુભકામનાઓ પાઠવી હતી.અને પર્યાવરણ સંરક્ષણનાં મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, “આપણો આદિવાસી સમાજ એટલે જંગલ, જમીન, નદી-નાળા અને પ્રકૃતિ પૂજક તરીકે આપણી ઓળખ ધરાવે છે.તેથી, જંગલની દેખરેખ રાખવી અને તેની માવજત કરવી એ આપણી સૌની ફરજ છે.”તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “મોબાઈલ પરથી એકબીજાને વિશ્વ પર્યાવરણ દિવસની શુભકામના પાઠવવાથી જંગલમાં ઝાડો અને વૃક્ષો વધવાના નથી.તેના માટે આપણે આપણા ખેતર અને વાડાઓમાં વૃક્ષો લગાવવા પડશે,તો જ ખરા અર્થમાં આપણે પર્યાવરણ દિવસની શુભકામના પાઠવી કહેવાશે.”વૃક્ષોના આર્થિક અને પર્યાવરણીય ફાયદા સમજાવતા તેમણે કહ્યું કે, રાજય સરકારે ડાંગી જનજીવનની કદર કરી છે”આજે ડાંગનાં ખેડૂતોને 10 ઝાડની માલિકી આપવામાં આવે છે.તેના 5 થી 7 લાખ રૂપિયા મળે છે, તો ભવિષ્યમાં એક-એક ઝાડની કિંમત શું થશે! એક વૃક્ષ આપણને કેટલા ફાયદા આપે છે – શુદ્ધ હવા, ફળ, છાંયડો, લાકડાં, ઘર માટે ફર્નિચર બનાવવામાં ઉપયોગી લાકડાં અને જલાઉ લાકડાં. છેલ્લે, માણસનું મૃત્યુ થાય ત્યાં સુધી જીવનમાં ઉપયોગી બને છે.”સુરેશભાઈ ચૌધરીએ તેમના અંગત અનુભવો પણ શેર કર્યા, “મેં 2002 માં સાત હજાર વૃક્ષો લગાવેલા અને 2010-12 માં ત્રણ હજાર. આમ, દર વર્ષે વૃક્ષો વાવ્યા, જેમાં સાગ,ફળાવ, ખેર અને અન્ય વનસ્પતિનો સમાવેશ થાય છે. આજે તે નજરે દેખાય છે.”તેમણે અંતમાં જાગૃતિ લાવવા આહવાન કર્યું કે, “જંગલ છે તો આપણું જીવન છે.આવનારી પેઢી માટે આજે જ જાગૃતિ લાવવાની જરૂર છે.” સામાજીક આગેવાન અને પ્રકૃતિ પ્રેમી સુરેશભાઈ ચૌધરીનું આ કાર્ય ખરેખર પ્રશંસનીય છે અને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યુ છે..