ઝઘડિયા તાલુકાની પ્રાથમિક શાળા નવા ટોઠીદરાએ ગુજરાત તેમજ ભરૂચ જિલ્લાને ગૌરવ અપાવ્યું.



સમીર પટેલ, ભરૂચ
સ્માર્ટ ઇલેક્ટ્રિક પોલ નામની કૃતિએ રાષ્ટ્રીય કક્ષાએ આકર્ષણ જમાવ્યું. 52 મો રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025 ભોપાલ ( મધ્યપ્રદેશ) મુકામે તારીખ 18/11/2025 થી 23/11/2025 દરમિયાન યોજાયું હતું . જેમાં સમગ્ર ભારતમાંથી બાળ વૈજ્ઞાનિકો પોતાની કૃતિ લઈને આવ્યા હતા . ગુજરાતમાંથી કુલ 8 કૃતિ પસંદ થઈ હતી . જેમાં ભરૂચ જિલ્લા ની ઝઘડિયા તાલુકા ની પ્રાથમિક શાળા નવા ટોઠીદરા દ્વારા સ્માર્ટ ઇલેક્ટ્રિક પોલ નામની કૃતિનું પ્રદર્શન કર્યું હતું . જેમાં લાઇટ ના થાંભલા પર કરંટ ઉતરતો હોય તો લોકોને લાઇટ અને અવાજ વડે જાણ થઈ જાય , જેથી લોકો તે થાંભલા થી દૂર રહે અને પોતાનો જીવ બચાવી શકે . બીજા પોલ પર જી.પી.એસ. સિસ્ટમ લગાવેલી હતી જયારે થાંભલો તૂટે તો તેની જાણ જી.ઈ.બી.ને તરત મેસેજ અને લોકેશન મળી જાય જેથી કર્મચારી ઝડપથી સ્થળ પર પહોંચી રિપેરિંગ કરી શકે. આ કૃતિ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું . જેમાં અત્રેની શાળાના માર્ગદર્શક શિક્ષક ઉર્વેશભાઈ પટેલ તથા વિધાર્થી ભાવિક માછી અને જૈનિલ પટેલ આ બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભરૂચ જિલ્લા નું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું. આ કૃતિ મુલાકાતીઓ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની હતી અને પ્રોજેકટ ની ખૂબ સરાહના પણ કરી હતી. આ પ્રોજેકટ ને મદદ અને સહકાર આપનાર શાળા નો સ્ટાફ , ગૃપાચાર્ય, સી.આર.સી , બી.આર.સી. , તાલુકા અને જિલ્લા પંચાયત શિક્ષણાધિકારી, ડાયટ પરિવાર , તાલુકા અને જિલ્લા પંચાયત શિક્ષક સંધ પરિવાર નો આચાર્ય દિલીપભાઈ સોલંકી દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો.બાળકોને ભવિષ્યમાં પણ પ્રોત્સાહન મળી રહે તે માટેના પ્રયત્નો યથાવત રહે તેવી આશા પ્રગટ કરવામાં આવી હતી.



