BUSINESSGUJARAT

નિફટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૧.૨૦૨૬ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૯૦૯ સામે ૮૨૪૫૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૮૭૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૦૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૯૭ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૩૦૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૭૮ સામે ૨૫૩૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૨૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૩૪૯ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

છેલ્લા કેટલાક દિવસોથી સતત કડાકાનો સામનો કરી રહેલા ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે તેજીનો તોફાન જોવા મળ્યું હતું. આ તેજી પાછળનું મુખ્ય કારણ સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન છે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગેના સકારાત્મક નિવેદન બાદ બજારમાં મંદી પર બ્રેક લાગી હતી. ટ્રમ્પના નિવેદન ઉપરાંત, વિદેશી બજારોમાંથી મળેલા પોઝીટીવ સંકેતોએ પણ બજારને ટેકો આપ્યો.

વૈશ્વિક સ્તરે અમેરિકા અને યુરોપના બજારોમાં સકારાત્મક માહોલ અને ટ્રેડ ટેન્શન ઘટવાની આશાએ રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો હતો, જેનો પ્રભાવ ભારતીય બજાર પર પણ પડ્યો. સાથે જ દેશની આર્થિક સ્થિતિને લઈને આશાવાદ અને આવનારા બજેટ પહેલા સકારાત્મક અપેક્ષાઓથી બજારમાં મજબૂતી જોવા મળી હતી. ઘણા શેરોમાં ટેકનિકલ ખરીદી અને શોર્ટ કવરિંગ પણ જોવા મળ્યું હતું. આ તમામ પરિબળોને કારણે મુખ્ય સેક્ટરોમાં ખરીદી વધતા આજે શેરબજારમાં તેજીભર્યું વલણ જોવા મળ્યું હતું.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન રાષ્ટ્રો પર ટેરિફ લાદવાની ધમકી પાછી ખેંચી લેતા અને ગ્રીનલેન્ડ પર ભવિષ્યના સોદાના માળખા પર સંમતિ દર્શાવતા ગુરુવારે શરૂઆતના વેપારમાં ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો. વધુમાં, સંસ્થાગત ઇક્વિટી રોકાણકારોના પ્રવાહોથી સ્થાનિક ચલણને ટેકો મળ્યો.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૯૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૦૭ અને વધનારની સંખ્યા ૨૯૩૪ રહી હતી, ૧૫૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ સ્ક્રિપ્સમાં મુખ્યત્વે બીઈએલ ૩.૭૫%, ટાટા સ્ટીલ ૨.૬૯%, અદાણી પોર્ટ્સ ૨.૫૭%, સ્ટેટ બેન્ક ૧.૯૫%, બજાજ ફિનસર્વ ૧.૭૩%, એશિયન પેઈન્ટ ૧.૫૮%, પાવર ગ્રીડ ૧.૫૧%, સન ફાર્મા ૧.૩૫%, ઈન્ડિગો ૧.૧૫%, એનટીપીસી ૧.૧૪%, એચસીએલ ટેકનોલોજી ૧.૧૦% અને ટ્રેન્ટ ૧.૦૧% વધ્યા હતા, જ્યારે ઈટર્નલ ૨.૬૧%, ટાઈટન કંપની ૧.૫૦%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૨૧%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૧૫%, એચડીએફસી બેન્ક ૦.૦૮% અને મારુતિ સુઝુકી ૦.૦૩% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૪.૪૩ લાખ કરોડ વધીને ૪૫૮.૫૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૪ કંપનીઓ વધી અને ૬ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, રિઝર્વ બેન્કના તાજેતરના બુલેટિન પરથી સ્પષ્ટ થાય છે કે વૈશ્વિક સ્તરે ભૌગોલિક-રાજકીય તણાવ અને નીતિગત અનિશ્ચિતતા વધતી હોવા છતાં ભારતીય અર્થતંત્રની આંતરિક મજબૂતી શેરબજાર માટે લાંબા ગાળે સકારાત્મક સંકેત આપે છે. મજબૂત સ્થાનિક માંગ, સતત ક્રેડિટ ગ્રોથ, કોમર્શિયલ સેક્ટરમાં વધતો નાણાકીય સંસાધનોનો પ્રવાહ અને નિયંત્રણમાં રહેલો ફુગાવો ભારતીય કોર્પોરેટ કમાણી માટે અનુકૂળ માહોલ સર્જે છે. બેન્કિંગ, ફાઇનાન્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કન્ઝમ્પશન અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગ્રોથની દૃશ્યતા વધુ સ્પષ્ટ બનતી જાય છે, જેનાથી ભારતીય શેરબજાર વૈશ્વિક અસ્થિરતાની વચ્ચે પણ રિલેટિવ આઉટપરફોર્મન્સ જાળવી શકે છે. વિદેશી મૂડી પ્રવાહમાં થતી અસ્થિરતા છતાં સ્થાનિક રોકાણકારોની મજબૂત ભાગીદારી બજારને સપોર્ટ આપતી રહેશે.

આગામી સમયમાં ભારતીય શેરબજારમાં ટૂંકા ગાળે વૈશ્વિક ઘટનાઓને કારણે વોલેટિલિટી રહેવાની સંભાવના છે, પરંતુ મધ્યમથી લાંબા ગાળે દિશા હકારાત્મક રહેવાની શક્યતા વધુ છે. સતત ૧૫-૧૬%નો ક્રેડિટ ગ્રોથ, કોર્પોરેટ બોન્ડ ઈશ્યૂમાં વધારો અને એફડીઆઈમાં સુધારાથી કેપેક્સ સાયકલને બળ મળશે, જે ઈકોનોમિક ગ્રોથને ટેકો આપશે. આ પરિસ્થિતિમાં રોકાણકારો માટે ક્વોલિટી સ્ટોક્સ, મજબૂત બેલેન્સશીટ ધરાવતી કંપનીઓ અને સ્થાનિક સ્તરે માંગ પર આધારિત સેક્ટરો પર ધ્યાન કેન્દ્રિત કરવાની રણનીતિ વધુ અસરકારક સાબિત થઈ શકે છે. કુલ મળીને, ભારતીય શેરબજારની ભાવિ દિશા સાવચેત આશાવાદ સાથે તેજી તરફ ઝુકેલી જોવા મળે છે.

Back to top button
error: Content is protected !!