BUSINESSGUJARAT

નિફટી ફ્યુચર ૨૬૨૦૨ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૧.૨૦૨૬ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૭૬૨ સામે ૮૫૬૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૫૩૧૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો,દિવસ દરમ્યાન સરેરાશ ૫૬૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨૨ પોઈન્ટના ઘટાડા સાથે ૮૫૪૩૯ પોઈન્ટ બંધ થયેલ.

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૪૫૫ સામે ૨૬૫૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૩૦૮ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો,સરેરાશ ૨૦૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૬ પોઈન્ટના ઘટાડા સાથે ૨૬૩૨૯ પોઈન્ટ બંધ થયેલ.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે ઈક્વિટી-શેરોમાં ફંડોની વેચવાલીના દબાણે નરમાઈ જોવાયા બાદ ભારતીય બજારોમાં ઘટાડે શોર્ટ કવરિંગ રહયું હતું. માર્કેટબ્રેડથ ખરાબ રહી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરતાં ભારતની ઓઇલ આયાતને મોટો ફટકો પડયો છે. ભારત વેનેઝુએલા પાસેથી ઓઇલ ખરીદે છે અને ભારતની મોટી રીફાઇનરીઓ જેવી કે રિલાયન્સ આ ખાસ પ્રકારના સસ્તા અને વધુ ઘનતાવાળા ઓઇલને રીફાઇન કરવા માટે બનાવવામાં આવી છે. આ ઓઇલ પેટ્રોલ અને ડીઝલ જેવા કિંમતી ઇંધણ બનાવવા કામમાં આવે છે. હવે અમેરિકાએ વેનેઝુએલા પર કરેલા હુમલાના કારણે આ સપ્લાય રોકાઈ જાય છે તો ભારતને રોજના છ લાખ બેરલ ઓઇલ મળી નહી શકે. તેના કારણે ભારતીય કંપનીઓએ મધ્યપૂર્વ કે કેનેડા પાસેથી મોંઘુ તેલ ખરીદવું પડશે. જો કે ટ્રમ્પના વલણનો સંકેત અગાઉથી મેળવી લેનારી ભારતીય ઓઇલ કંપનીઓએ ફરીથી રશિયાના ઉરલ ક્રૂડ ઓઇલની ખરીદી શરૂ કરી દીધી હોવાનું માનવામાં આવે છે.અનિશ્ચિતતાના પરિણામે વૈશ્વિક બજારોમાં સાવચેતી પાછળ આજે ભારતીય શેર બજારોમાં પણ સાવચેતી હતી. સેન્સેક્સ, નિફટી બેઝડ ઘટાળા બાદ રિકવરી અને સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં આરંભમાં વ્યાપક વેચવાલી બાદ ઘટાડે ફંડો, ખેલંદાઓએ પસંદગીની ખરીદી કરતાં કેટલાક શેરોમાં રિકવરી જોવાઈ હતી. અલબત ઘટનાર શેરોની સંખ્યા આજે પણ વધુ રહી હતી.

 

કરન્સી માર્કેટની વાત કરીએ તો, સોમવારે શરૂઆતના વેપારમાં અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડ્યો હતો, કારણ કે વેનેઝુએલામાં અમેરિકાની લશ્કરી કાર્યવાહી બાદ વિદેશમાં મજબૂત અમેરિકન ચલણ હતું, જે આ અઠવાડિયે ફેડરલ રિઝર્વ નીતિને પ્રભાવિત કરી શકે તેવા મુખ્ય યુએસ આર્થિક ડેટા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું હતું. જોકે, FII તરફથી નવી ખરીદી અને કાચા તેલના ભાવમાં ઘટાડો થવાને કારણે રૂપિયામાં વધુ ઘટાડો મર્યાદિત રહ્યો છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના બજારમાં ફરીથી શાનદાર તેજી જોવા મળી રહી છે. નીચલા સ્તરેથી રોકાણકારોની મજબૂત ખરીદીને પગલે સોના અને ચાંદી બંનેના ભાવમાં જોરદાર ઉછાળો નોંધાયો છે. વાયદા બજારમાં ચાંદી એકઝાટકે ૧૩૭૦૦ રૂપિયાથી વધુ ઉછળી હતી અને પછી તેમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે સોનામાં પણ એકઝાટકે ૨૪૦૦ રૂપિયાથી વધુની તેજી આવી હતી પરંતુ તેમાં પણ ૧૦૦૦ રૂપિયા જેટલો ઘટાડો આવ્યો હતો.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૫% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૬% વધીને બંધ રહ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં મુખ્યત્વે બીએસઈ પર બેંક, એફએમસીજી, હેલ્થકેર,કન્ઝ્યુમર ડયુરેબલ્સ સેક્ટરમાં ઉછાળો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૪૭૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૪૩ અને વધનારની સંખ્યા ૧૭૨૩ રહી હતી, ૨૦૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૦૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં વોલ્ટાસ લીમીટેડ ૩.૪૦%,લોધા ૩.૦૩%,હિન્દુસ્તાન યુનીલીવર ૧.૪૯%,એક્સીસ બેંક ૧.૪૧%,ટાટા કન્ઝ્યુમર ૦.૯૭,હવેલ્લ્સ ઇન્ડિયા ૦.૯૬%,ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ૦.૫૫%,એસબીઆઈ લાઈફ ૦.૫૩%,સિપ્લા ૦.૪૭% વધ્યા હતા, જ્યારે એચસીએલ ટેકનોલોજી ૨.૪૪%,ઈન્ફોસીસ ૨.૨૫%,લ્યુપીન ૧.૪૮%,ગ્લેનમાર્ક ફાર્મા ૧.૨૨%,ટેક મહિન્દ્ર ૦.૯૫%,ઓરબિંદો ફાર્મા ૦.૭૪%,ગ્રાસીમ ૦.૫૪%,ભારતી ઐરટેલ ૦.૫૦% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપના બજારોની સાથે ભારતીય શેર બજારોમાં નવી રેકોર્ડ ઊંચાઈ જોવાઈ રહી છે.વર્ષ ૨૦૨૫ની વિદાય  બાદ વર્ષ ૨૦૨૬ની શરૂઆત પોઝિટીવ થઈ છે.અલબત જીઓપોલિટીકલ ટેન્શન ફરી વધતું જોવાઈ રહ્યું છે. અમેરિકાના વેનેઝુએલા પર હુમલા અને સત્તા પલટાની કવાયત અને બીજી તરફ ચાઈનાએ તાઈવાન પર કબજો જમાવવા શરૂ કરેલી કવાયતને લઈ ફરી જોખમી પરિબળો સર્જાયા છે. બીજી તરફ આર્થિક મોરચે એક પછી એક દેશો પોતાની રક્ષણાત્મક નીતિ અપનાવીને દેશના ઉદ્યોગોને સસ્તી આયાત સામે રક્ષણ આપવા ટેરિફ વધારાનો માર્ગ અપનાવી રહ્યા છે. જેમાં હવે ભારતે પણ સ્ટીલની આયાત મોંઘી બનાવી અને નિકાસોને અન્ય દેશોમાં પ્રોત્સાહનો માટેના પગલાં, પેકેજ જાહેર કરવાનું ચાલુ રાખ્યું છે. આ સાથે દેશમાં એમએસએમઈ ઉદ્યોગોન ધિરાણ પ્રોત્સાહનો આપીનેદેશના મેઈક ઈન ઈન્ડિયા મિશનને આગળ વધારવા સરાહનીય પ્રયાસો થઈ રહ્યા છે.

ડિસેમ્બર મહિનામાં મેન્યુફેકચરીંગ પ્રવૃતિ ધીમી પડી હોઈ ઘરઆંગણે ઉત્પાદન વૃદ્વિને પ્રોત્સાહન આપવા વધુ પગલાં અપેક્ષિત છે. વર્ષ ૨૦૨૫માં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોના અવિરત રોકાણ પ્રવાહના જોરે ભારતીય શેર બજારોમાં ઈન્ડેક્સ બેઝડ મજબૂતી જળવાઈ છે, પરંતુ ફોરેન ફંડોના સતત વેચાણ અને ઘણી કંપનીઓના શેરોમાં વેચીને એક્ઝિટ લેવાના વલણે ઘણા શેરોમાં ભાવો તૂટતાં જોવાયા છે. વર્ષ ૨૦૨૬માં ફોરન ફંડો ફરી નીચા ભાવોએ ખરીદદાર બનશે એવી અપેક્ષા અને કેન્દ્રિય બજેટની અપેક્ષિત જોગવાઈઓ ફરી શેરોમાં વ્યાપક તેજીને સંચાર કરશે એવી અપેક્ષા છે. આ સાથે હવે કોર્પોરેટ પરિણામોની ડિસેમ્બરના અંતની ત્રીજા ત્રિમાસિકની શરૂ થનારી સીઝનના પરિણામો સાથે બજારમાં બોટમફિશિંગ શરૂ થાય એવી શકયતા જોવાઈ રહી છે.

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Back to top button
error: Content is protected !!