
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ઝેરી જીવજંતુના કરડવાથી નીલગાયનું મોત : મેઘરજ-મોડાસા રોડ પરની ઘટનાનો ખુલાસો
મેઘરજ: અરવલ્લી જિલ્લાના મેઘરજ-મોડાસા રોડ પર મેવડા પાટિયા નજીક થોડા દિવસો પહેલા બનેલી નીલગાયના મોતની ઘટનામાં હવે ચોંકાવનારો ખુલાસો થયો છે. વન વિભાગ દ્વારા કરાવવામાં આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં નીલગાયનું મોત ઝેરી જીવજંતુના કરડવાથી થયાનું સામે આવ્યું છે.
માહિતી મુજબ મેવડા પાટિયા નજીક રસ્તો ઓળંગતી વખતે એક નીલગાય અચાનક રસ્તા પર ઢળી પડી હતી અને તરફડિયા મારતી જોવા મળતા સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ જાગૃત નાગરિક દ્વારા તાત્કાલિક મેઘરજ વન વિભાગને કરવામાં આવી હતી.માહિતી મળતા જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને નીલગાયને સારવાર માટે લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે નીલગાયની તબિયત અત્યંત નાજુક હોવાથી રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું.વન વિભાગ દ્વારા મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર પી.એમ. રિપોર્ટમાં નીલગાયને ઝેરી જીવજંતુ કરડવાથી મોત થયાનું નિશ્ચિત થયું છે. ત્યારબાદ વન વિભાગે નિયમ મુજબ મોટો ખાડો ખોદી નીલગાયને દફનાવી દીધી હતી.





