નવસારીમાં ૫૦ મીટર લાંબા તિરંગા સાથે દેશભક્તિની ઉર્જાથી ભરપૂર ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*દેશભક્તિપૂર્ણ ધૂનો, દેશપ્રેમ અને એકતાનો સંદેશ આપતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિને લગતા નારાઓથી નવસારી શહેરની ગલીઓ ગુંજી ઉઠી*
*જળ શકિત મંત્રીશ્રી, સી આર પાટીલ સહિત વિવિધ મહાનુભાવોના વરદ હસ્તે તિરંગા યાત્રાને ફ્લેગઓફ કરાયો*
આ વર્ષે “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” થીમ હેઠળ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ યોજાયેલ ભવ્ય તિરંગા યાત્રામાં જળ શકિત મંત્રીશ્રી, સી આર પાટીલ સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સહભાગી થયા હતા. આ યાત્રાની વિશેષતા તરીકે ૫૦ મીટર લાંબો તિરંગો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
ભવ્ય તિરંગા યાત્રાનો પ્રારંભ ફુવારા સર્કલથી થયો હતો, જે ગોલવાડ ચોક – લક્ષ્મણ હોલ સર્કલ ટાવર – સયાજી લાઈબ્રેરી રોડ – જુનાથાણા સર્કલ – લુંસીકુઇ સર્કલ માર્ગે પસાર થઈ સર્કિટ હાઉસ ઝંડા સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી.
દેશભક્તિની ઉર્જાથી ભરપૂર આ યાત્રામાં શહેરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પોલીસ જવાનોની દેશભક્તિપૂર્ણ ધૂનોએ માહોલને ગુંજાવ્યો હતો. યાત્રા દરમિયાન વિવિધ સાંસ્કૃતિક વૃંદોએ દેશપ્રેમ અને એકતાનો સંદેશ આપતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર રજૂઆત કરી હતી, આ સાથે દેશભક્તિને લગતા નારાઓથી નવસારી શહેરની ગલીઓ ગુંજીઉઠી હતી. જેનાથી તિરંગા યાત્રા વધુ આકર્ષક અને જોમ જુસ્સાથી ભરપુર બની હતી.
આ યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશ દેસાઇ, ધારાસભ્ય નરેશભાઈ પટેલ, ધારાસભ્ય રાકેશ દેસાઇ, ધારાસભ્ય આર.સી.પટેલ, જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, મ્યુનિશિપલ કમિશ્નર દેવ ચૌધરી, પ્રાયોજના વહિવટદાર પ્રણવ વિજયવર્ગિય, જિલ્લા પોલીસ અધિક્ષક , સુશીલ અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા સહિત વિવિધ સંસ્થાઓ અને જાહેર જનતા આ યાત્રામાં સહભાગી થયા હતા.




