
વાત્સલ્યમ સમાચાર
વાંસદા ડાંગ
ડાંગ જિલ્લાનાં આદિવાસી સમાજના હક્ક, વિકાસ અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં આદિવાસી વિભાગ દ્વારા ડાંગ જિલ્લાનાં આદિવાસી સેલના પ્રમુખ તરીકે નીતિન ગાઈનની સત્તાવાર નિમણૂંક કરવામાં આવી છે.પાર્ટીના વરિષ્ઠ આગેવાનો દ્વારા જણાવાયું હતું કે ખાતળ ગામ નવ નિયુક્ત સરપંચ ની જવાબદારી નિભાવતા ઉત્સાહી એવા નીતિન ગાઈન લાંબા સમયથી સંગઠન સાથે જોડાયેલા રહી આદિવાસી સમાજના પ્રશ્નો ઉકેલવા માટે સક્રિય કામગીરી કરતા આવ્યા છે. તેમની નિમણૂંકથી ડાંગ જિલ્લાનાં સંગઠનને નવી દિશા મળશે અને આદિવાસી સમાજના હિતો માટે વધુ અસરકારક રીતે કાર્ય થઈ શકશે નિમણૂંક બાદ જિલ્લા અને રાજ્ય સ્તરના કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તથા આદિવાસી સમાજના આગેવાનો દ્વારા નીતિન ગાઈનને શુભેચ્છા સહ અભિનંદન પાઠવાયા હતા. કાર્યકરોએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમની આગેવાનીમાં ડાંગ જિલ્લાનો આદિવાસી સેલ વધુ મજબૂત બની સંગઠનકાર્યને વેગ મળશે.વઘુ માં નીતિન ગાઈને જણાવ્યું કે પાર્ટીએ તેમને સોંપેલી જવાબદારીને તેઓ નિષ્ઠાપૂર્વક નિભાવી આદિવાસી સમાજના હક્ક-અધિકારો, શિક્ષણ, રોજગાર, સ્વાસ્થ્ય અને કલ્યાણના પ્રશ્નોને પ્રાધાન્ય આપશે..





