GUJARATTHARADVAV-THARAD

56 દિવસ બાદ પણ કાર્યવાહી નહીં! ઓનલાઈન ટ્રેડિંગ કેસમાં થરાદ પોલીસની ભૂમિકા સામે સવાલો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

થરાદ પોલીસ દ્વારા તા. 15/04/2026ના રોજ થરાદ-મલુપુર રોડ પર આવેલી કૃષ્ણનગર સોસાયટીમાં કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ઓનલાઈન ટ્રેડિંગ સાથે સંકળાયેલા હોવાની શંકાના આધારે કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલ, કેમેરા, નેટવર્ક સાધનો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ વિવિધ ડેબિટ કાર્ડ સહિત કુલ રૂ. 10.69 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પોલીસ નોંધ મુજબ હિતેશભાઈ ગણેશભાઈ દરજી, ચેતનભાઈ ગણેશભાઈ દરજી, વિજયભાઈ ગણેશભાઈ દરજી અને યશ સુરેશભાઈ દરજીના રહેણાંક સ્થળેથી આ શંકાસ્પદ સાધનો મળી આવ્યા હોવાનું જણાવાયું હતું. કાર્યવાહી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.પી. ચૌધરીની દેખરેખ હેઠળ હાથ ધરાઈ હતી.

પરંતુ ઘટનાને આજે 56 દિવસ પૂર્ણ થઈ ગયા હોવા છતાં હજુ સુધી કોઈ આરોપીની સત્તાવાર ધરપકડ કરવામાં આવી નથી કે કેસમાં કોઈ સ્પષ્ટ પરિણામ સામે આવ્યું નથી. બીજી તરફ, સ્થાનિક સ્તરે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે મુખ્ય ટ્રેડિંગ ધારક હિતેશ દરજી સહિત સંકળાયેલા લોકો પોલીસ સ્ટેશનમાં સતત અવરજવર કરતા જોવા મળે છે.

તપાસ અધિકારીનો સંપર્ક કરતાં તેમણે માત્ર “તપાસ ચાલુ છે” એટલો જવાબ આપ્યો હતો અને વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે થરાદ પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી. રબારીએ પણ કેસની તપાસ ચાલુ હોવાનું જણાવી યોગ્ય સમયે માહિતી જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

જોકે, લોકોમાં હવે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. જો પૂરતા પુરાવા અને શંકાસ્પદ સાધનો કબજે કરવામાં આવ્યા હોય તો ધરપકડ કે કાનૂની કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? અને જો કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાબિત થતી ન હોય તો 10.69 લાખના મુદ્દામાલ અંગે નિર્ણય કેમ લેવાતો નથી?

આ સમગ્ર મામલે સ્થાનિક નાગરિકોમાં ચર્ચા જોર પકડી રહી છે. અનેક લોકો જિલ્લા પોલીસ વડા દ્વારા નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરાવી સમગ્ર હકીકત જાહેર કરવાની માંગ કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!