VALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લો પ્રાકૃતિક ખેતીની રાહ પર, 18449 ખેડૂતો ઝેરયુક્ત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા

જિલ્લાની 19277 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી લોકોને ઝેરમુક્ત ધાન્ય આપવાનું પુણ્ય કાર્ય રહ્યા છે ધરતીપુત્રો

વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટની પ્રસંશનીય કામગીરી, 92326 ખેડૂતો સુધી પહોંચી પ્રાકૃતિક ખેતીનો મહિમા સમજાવ્યો

ગત વર્ષે જિલ્લામાં 10 ગ્રામ પંચાયત દીઠ એક ક્લસ્ટર એમ કુલ 39 ક્લસ્ટર બનાવ્યા, જ્યારે ચાલુ વર્ષે 5 ગ્રામ પંચાયત એક ક્લસ્ટર એમ જિલ્લામાં કુલ 79 ક્લસ્ટર બનાવ્યા

 સંકલન: જિજ્ઞેશ સોલંકી

 માહિતી બ્યુરો: વલસાડ, તા. 3 જુલાઈ

         દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની રાહબરી હેઠળ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ઝુંબેશ ચાલી રહી છે ત્યારે વલસાડ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ ખેતર ખેતર સુધી પહોંચે અને તેનો પ્રાકૃતિક ખેતીનો પાક ઘર ઘર સુધી પહોંચે તે માટે પ્રસંશનીય કામગીરી થઈ રહી છે. જે અંતર્ગત ગત વર્ષમાં જિલ્લામાં 3196 તાલીમ કાર્યક્રમો યોજી 92326 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની માહિતી આપી ખરા અર્થમાં ખેડૂતોને “જગતના તાત” બનાવવા માટે બીડું ઝડપ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી ખેડૂતો અપનાવે તે માટે દેશી ગાય નિભાવ ખર્ચ યોજના અમલમાં છે. જે યોજના મુજબ દર મહિને એક દેશી ગાય દીઠ 900 રૂપિયા નિભાવ ખર્ચ આપવામાં આવે છે, જે સંદર્ભે વલસાડ જિલ્લામાં અંદાજિત 3000 દેશી ગાય ધરાવતા ખેડૂતોને પ્રતિમાસ 900 રૂપિયા દીઠ સહાય આપવામાં આવી રહી છે. વર્ષ 2023-24 દરમિયાન વલસાડ જિલ્લામાં 18449 ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, જેઓ તેમની અંદાજે 19277 એકર જમીનમાં હાલ પ્રાકૃતિક ખેતી કરી લોકોને ઝેર મુક્ત ધાન્ય આપવાનું પુણ્ય કાર્ય રહ્યા છે. ગત વર્ષે જિલ્લામાં 10 ગ્રામ પંચાયત દીઠ એક ક્લસ્ટર એમ કુલ 39 ક્લસ્ટર બનાવી પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી હતી, જે ચાલુ વર્ષે સૂક્ષ્મ આયોજન કરી 5 ગ્રામ પંચાયત એક ક્લસ્ટર એમ જિલ્લામાં કુલ 79 ક્લસ્ટર બનાવી પ્રાકૃતિક ખેતીની માહિતી આપવામાં આવી રહી છે.

હાલ ખરીફ ઋતુ ચાલી રહી હોય ખરીફ ઋતુ દરમિયાન જિલ્લામાં દરેક પંચાયત આવરી લઈ 1560 જેટલી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાંથી 350 જેટલી તાલીમ જૂન મહિનામાં પૂરી કરવામાં આવી છે અને જુલાઈ મહિનામાં 600 ઉપરાંત તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક પંચાયતને આવરી લેવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસાર માટે જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાની યોજના અમલમાં મૂકી છે જે થકી જે ખેડૂતો પાસે દેશી ગાય ન હોય તો તેઓ ગૌશાળા તેમજ ખેડૂત ગ્રુપો દ્વારા બનાવેલા જીવામૃતનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી કરી શકે છે. જે સંદર્ભે વલસાડ જિલ્લામાંથી વલસાડ તાલુકાના કોચવાડા ગામના ખેડૂત હરેન્દ્રસિંહ ઠાકોરને રાજ્યકક્ષાનો એવોર્ડ પણ એનાયત કરાયો છે જે જિલ્લા માટે ખૂબ જ ગર્વની વાત છે. વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીનો વધુમાં વધુ પ્રચાર થાય તેમ જ વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી ખેડૂતો અપનાવે તે માટે નિરંતર પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જેના થકી ખેડૂતોને સાચી દિશા મળી છે.

બોક્સ મેટર

ગત વર્ષે 86 મોડલ ફાર્મ બનાવાયા, ચાલુ વર્ષે 90 નવા ફાર્મ બનાવશે, મોડલ ફાર્મ માટે ખેડુતોને મળે છે રૂ.18000ની સહાય

વલસાડ જિલ્લા આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી ડી.એન.પટેલે જણાવ્યું કે, વલસાડ જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય અને તે દરમિયાન તેઓને કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો તેઓ સરળતાથી માર્ગદર્શન મેળવી શકે તે માટે આત્મા પ્રોજેકટ દ્વારા વલસાડ જિલ્લામાં ગત વર્ષમાં 86 જેટલા મોડલ ફાર્મ બનાવવામાં આવ્યા છે જ્યાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીની પ્રત્યક્ષદર્શી માહિતી મેળવી રહ્યા છે. હાલ ચાલુ વર્ષ દરમિયાન અંદાજિત 90 નવા મોડલ ફાર્મ બનાવવા માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેના પર નજર કરીએ તો રૂ. 2000ની મર્યાદામાં સીમેન્ટ ક્રોન્ક્રીટનું  સ્ટ્રક્ચર બનાવવા, રૂ. 2000ની મર્યાદામાં બિયારણ ખરીદી, ઘનજીવામૃત અને જીવામૃત બનાવવા માટે રૂ.  2000ની મર્યાદામાં ડ્રમ અને પ્રાકૃતિક ખેતી મોડલ ફાર્મનું 1 સાઇનિંગ બોર્ડ માટે રૂ. 5000 અને અન્ય પ્રોત્સાહન મળી કુલ રૂ. 18000ની સહાય આપવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!