Rajkot: તુવેર પાક માટે ટેકાના ભાવથી વેચાણ કરવા ખેડૂતોએ ૧૫ ડિસેમ્બરથી ૧૪ જાન્યુઆરી સુધી ઓનલાઇન નોંધણી કરાવવા સૂચના

તા.૧૧/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ખેડુતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમની ઉપજોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી વર્ષ:૨૦૨૫-૨૬ ખરીફ સિઝનમાં તુવેર પાક માટે ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
તુવેર પાક માટે ટેકાના ભાવથી વેચાણ કરવા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી તા.૧૫/૧૨/૨૦૨૫ થી તા.૧૪/૦૧/૨૦૨૬ (દિન-૩૦) દરમિયાન ખેડૂતોની ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર કરવાની રહેશે.
આ નોંધણી માટે જરૂરી ડોક્યુમેન્ટસ જેવા કે, ગામનો નમૂનો ૮-અ, તલાટીનો વાવેતર અંગેનો દાખલો અથવા ૭/૧૨, આધાર કાર્ડની નકલ, બેન્ક પાસબુકના પ્રથમ પાનાની નકલ (IFSC કોડ સાથે) સાથે ઓનલાઈન નોંધણી કરતી વખતે અપલોડ કરવાના રહેશે.
વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યુર (VCE) અથવા ગ્રામ સેવકશ્રી તથા તાલુકા કક્ષાએ TLE નો સંપર્ક કરવો, તેમ જિલ્લા પંચાયત કચેરી, ખેતીવાડી શાખા, રાજકોટની યાદીમાં જણાવાયું છે.



