નવસારી મહાનગરપાલિકાનું જાહેરનામું: ૧૨૦ માઇક્રોનથી ઓછી,સિંગલ યુઝ પ્લાસ્ટિક પર ૧ જાન્યુઆરી ૨૦૨૬થી પ્રતિબંધ….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
તસ્વીર પ્રતિકાત્મક
નવસારી મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવે છે કે, ૦૧-૦૧-૨૦૨૬થી ૧૨૦ માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી કોઈપણ સિંગલ યુઝ પ્લાસ્ટિક (થેલી, કપ, પ્લેટ, સ્ટ્રો વગેરે)નવસારી શહેરની હદમાં વેચવી, વહેંચવી કે ઉપયોગમાં લેવી સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. આ નિયમનું કોઈપણ સ્ટ્રીટ વેન્ડર, દુકાનદાર, હોટલ, રેસ્ટોરન્ટ, ફૂડ સ્ટોલ અથવા કોઈપણ વ્યાવસાયિક સ્થાપન દ્વારા ઉલ્લંઘન થતા, તેના ગુમાસ્તાધારા લાઇસન્સને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવશે. આની સંપૂર્ણ જવાબદારી વિક્રેતા/વેપારીની રહેશે. લાઇસન્સ રદ બાદ કોઈપણ પુનઃસ્થાપના ગણાશે નહીં. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણ, સ્વાસ્થ્ય અને શહેરની સ્વચ્છતા માટે ગંભીર ખતરો છે. તે કચરાનો વ્યાપ વધારે છે, નાળાઓ અને નદીઓને અવરોધે છે અને દીર્ઘકાળીન પર્યાવરણીય હાનિ કરે છે. પર્યાવરણ બચાવવા આપણી સામૂહિક જવાબદારી છે. મહાનગરપાલિકા સૌને કાપડની થેલી, કાગળ કે જૈવ-વિઘટનીય સામગ્રીના વિકલ્પો અપનાવવા અને શહેરને પ્લાસ્ટિક-મુક્ત બનાવવામાં સહયોગ આપવા આહવાન કરવામાં આવ્યું છે વધુ વિગતવાર માહિતી માટે મહાનગરપાલિકા કાર્યાલયમાં સંપર્ક કરવા જણાવાયો છે.




