
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

*જયાં રોજે રોજ મોટી રકમની નાણાંકીય લેવડ-દેવડ અથવા કિંમતી ચીજ-વસ્તુઓની લે-વેચ થાય છે તેવા તમામ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા જરૂરી*
*સી.સી.ટી.વી કેમેરા હાઇ ડેફીનેશન/નાઇટવિઝન ધરાવતાં હોવા જોઈએ અને રેકોર્ડિંગ ડેટા ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી સંગ્રહ કરવાના રહેશે*
*સીસીટીવી કેમેરા સતત ૨૪ કલાક ચાલુ રહે તે જોવાની જવાબદારી માલિકો/વહીવટકર્તાઓની રહેશે*
ડાંગ જિલ્લામાં ભૂતકાળમાં સોના, ચાંદીની દુકાનમાં લુંટ તેમજ મોબાઈલ શો રૂમમાંથી મોબાઇલ ચોરીના ગુના રાત્રિ દરમિયાન બન્યા હતા. તાજેતરમાં રહેણાંક મકાનોમાંથી રાત્રીના સમયે ચોરીના બનાવો પણ બન્યા છે. વર્તમાનપત્રો અને ટી.વી. ન્યુઝમાં આવા સમાચારો રોજબરોજ આવે છે. બેંકો, એ.ટી.એમ. સેન્ટરો, સોના-ચાંદીનાં શો-રૂમો, જવેલર્સની દુકાનો, સહકારી બેંકો, સારી હોટેલો, સાયબર કાફે, કાપડની દુકાનો, ઇમારતી લાકડાની મોટી પેઢીઓ, ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ, માર્કેટીંગ યાર્ડ, પેટ્રોલ પંપો, ઇલેકટ્રીક બીલોનાં કલેકશન સેન્ટરો જેવા સ્થળોએ કે જયાં મોટી રકમની અથવા કિંમતી ચીજ-વસ્તુ ની લે-વેચ અને લેવડ-દેવડ થતી હોય, આવા સ્થળોએ ગુનેગારો નાંણાની લેવડ-દેવડ અને હેરા-ફેરી વખતે થોડા આગળ-પાછળ કે બાજુમાં રહી ગતિવિધીની દેખરેખ અને વોચ કરી મોકો મળતાં આવા આર્થિક ગુનાઓને અંજામ આપે છે.
ઘણાં કિસ્સાઓમાં આવી મોટી રકમ અને કિંમતી ચીજ-વસ્તુ મેળવી લેવા માટે ગુનેગાર ગમે તે હદ સુધી ભોગ બનનારને માર મારી જાનથી મારી નાંખતા પણ અચકાતા નથી. આવા ગુના બનતાં અટકે અને બનેલાં ગુના સહેલાયથી શોધી શકાય અને નાગરિકનાં જાનમાલનું રક્ષણ થાય અને સમાજમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ જળવાય રહે તે હેતુસર આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો બહોળો ઉપયોગ કરવાની વર્તમાન યુગની જરૂરીયાત છે. જેથી આવા તમામ સ્થળોએ વ્યુહાત્મક જગ્યાઓએ નાઇટવિઝન સી.સી.ટી.વી. કેમેરા કે જેમાં છેલ્લાં એક મહિનાનું બેક-અપ મળી રહે તેવા કેમેરા મુકવાથી ઘણી જ સરળતા રહે તેમ છે. આવા સ્થળનાં માલિકોને નાઇટવિઝન સી.સી.ટી.વી. કેમેરા મુકવા પોલીસ વિભાગ તરફથી વારંવાર સૂચના કરવામાં આવી છે છતાં પણ જોઇએ તેવો પ્રતિસાદ મળ્યો નથી. જરૂરત છે તેવા તમામ સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા લગાવવામાં આવ્યા નથી. જેથી સમગ્ર ડાંગ જીલ્લામાં બેંકો, સહકારી બેંકો/સંસ્થાઓ, એ.ટી.એમ. સેન્ટરો, સોના-ચાંદીના શો-રૂમો, જવેલર્સ, ઈમારતી લાકડાનાં મોટા વેપારીઓ, કાપડની દુકાનો, ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતી, સાયબર કાફે, ઇલેક્ટ્રીક બીલનાં કલેકશન સેન્ટર, કુરીયર સર્વિસ વિ.સ્થળો કે જયાં રોજે રોજ મોટી રકમની નાણાંકીય લેવડ-દેવડ અથવા કિંમતી ચીજ-વસ્તુઓની લે-વેચ થાય છે, તેવા તમામ સ્થળોએ તેમનાં માલિકોને વ્યુહાત્મક સ્થળોએ નાઇટ વિઝન સી.સી.ટી.વી.કેમેરા લગાવવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે ડાંગ-આહવાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિ.કે.જોશી (જી.એ.એસ.)એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૬૩ મુજબ મળેલી સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડયું છે.
આ જાહેરનામા જણાવાયુ છે કે, સમગ્ર ડાંગ જિલ્લાના વિસ્તારમાં આવેલી નીચે મુજબની તમામ જગ્યાએ સી.સી.ટી.વી. (નાઇટ વિઝન સાથેના) કેમેરા ગોઠવવાના રહેશે. (૧) તમામ બેંકો, સહકારી બેંકો/સંસ્થાઓ, એ.ટી.એમ. સેન્ટરો, સોના-ચાંદીનાં શો-રૂમો, મોટી દુકાનો, જવેલર્સની દુકાનો, (૨) ઇમારતી લાકડાનાં મોટા વેપારીઓ, કાપડની મોટી દુકાનો, ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતી, સાયબર કાફે, ઇલેકટ્રીક બીલનાં કલેકશન સેન્ટરો.વિ.સ્થળો કે જયાં રોજે રોજ મોટી રકમની નાણાંકીય લેવડ-દેવડ અથવા કિંમતી ચીજ-વસ્તુઓની લે-વેચ થાય છે, તેવા તમામ સ્થળો એ સી.સી.ટી.વી. લગાવવાના રહેશે. સી.સી.ટી.વી કેમેરા હાઇ ડેફીનેશન/નાઇટવિઝન ધરાવતાં હોવા જોઈએ. જેમાં માણસોના ચહેરા સ્પષ્ટ ઓળખી શકાય તથા વાહનના નંબર વાંચી શકાય તેવી રીતે ગોઠવવાના રહેશે. આ સી.સી.ટી.વીના રેકોર્ડિંગ ડેટા ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી સંગ્રહ કરવાના રહેશે. કેમેરા સતત ૨૪ કલાક ચાલુ રહે તે જોવાની જવાબદારી માલિકો/વહીવટકર્તાઓની રહેશે. આ હુકમ તા. ૨૧/૦૮/૨૦૨૫ થી તા. ૧૮/૧૦/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.



