ARAVALLIMODASA

ખાવાનું નહિ હોય તો ચાલશે પણ શિક્ષણ લીધા વગર નહિ ચાલે….ડૉ.સંતોષ દેવકર(કેળવણીકાર અને કટાર લેખક)

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ખાવાનું નહિ હોય તો ચાલશે પણ શિક્ષણ લીધા વગર નહિ ચાલે….ડૉ.સંતોષ દેવકર(કેળવણીકાર અને કટાર લેખક)

ત્રણ-ચાર બહેનોમા એકનો એક ભાઇ હોય તો એ ખૂબ લાડકોડમાં ઉછરતો હોય છે. ઇતિહાસ સાક્ષી છે કે લાડકોડમાં ઉછરેલા સંતાનો ભાગ્યેજ સફળતા મેળવતા હોય !પરંતુ ભાવનગરના મધ્યમવર્ગીય જોશી પરિવારમા સાવ ઉલટી સ્થિતિનુ નિર્માણ થયુ.આનંદ સાથે આશ્ચર્ય એ થયું કે ચાર બહેનોના એક ભાઇ એ શિક્ષણ ક્ષેત્રે સફળ થવાનુ નક્કી કર્યુ અને કરી બતાવ્યું.સામાન્ય રીતે ચાર બહેનો હોય એ ઘરમાં ભાઇ એ ઝાઝુ કશુ કરવાનુ રહેતુ હોતુ નથી. આ એક્નો એક કહેવાતો ‘લાલો’ સંઘર્ષ અને પરિશ્રમથી હંમેશા દૂર ભાગતો રહે છે.બાપુજીના ખૂબ જ ટૂંકા પગારમા અને વધતી મોંઘવારીમાં કુલ છ જણાના પરિવારને સંભાળવા,પોષવા અને ભણાવવા ખૂબજ અઘરું થતુ હતુ.છતાં બા હિંમત હાર્યા નહિ. ટૂંકો પગારને બહોળો પરિવાર; સ્નેહ અને પ્રેમ ના આસવથી પરિવારને પોષ્યો. બા એ પોતાના સોનાના દાગીના ગિરવે મુકીને પણ સંતાનોની ફી ભરી શિક્ષણને મહત્વ આપેલું.

“ઘરમા ખાવાનુ નહિ હોય તો ચાલશે પણ શિક્ષણ લીધા વગર નહિ ચાલે” ઘરમા બાપુજીનો આ મુદ્રા લેખ હતો.અને બા નુ તેમા પૂરેપુરું સમર્થન હતુ. ઉછીના-પાછીના કરીને, વ્યાજે લાવીને,પાંચેય બાળકોની ફી ભરીને શિક્ષણની સાથે સંસ્કારની સરવાણી વહેવડાવી હતી.ઉચ્ચશિક્ષણ મેળવી સમાજમાં ઉચ્ચસ્થાને બિરાજવાનુ સૌના નસીબમા નથી હોતુ. ચાર બહેનોના આ ભાઇએ કાઠું કાઢ્યું હતુ, ખાટલે મોટી ખોડ એ કે ભાઇનો ગણિત વિષય પહેલેથી જ નબળો. સામાન્ય રીતે જે શાળામાં વિષયશિક્ષકો નબળા હોય તે વિષયમાં વિદ્યાર્થીઓ પણ નબળા માલુમ પડતા હોય છે. બટ હી એક્સેપ્ટ ધી ચેલેન્જ. આ યુવાને નબળા વિષયને એટલેકે ગણિતને મુખ્ય વિષય બનાવવાનુ નક્કી કર્યુ. સ્ટેટેસ્ટીક્સ જેવા વિષયમા સ્નાતક- અનુસ્નાતક અને ત્યારબાદ વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી.)ની પદવી પ્રાપ્ત કરી. ગમતા વિષયમા પારંગતતા મેળવવી સહેલી છે;પરંતુ અણગમતા અને અભ્યાસ દરમિયાન નબળા રહેલા વિષયને મુખ્ય વિષય બનાવી વ્યવસાય પસંદ કરી સફળ થવું ખૂબ કઠીન હોય છે. જીવનમાં ચેલેન્જ સ્વીકારનારા સફળતા મેળવતા હોય છે. આ પ્રકારનુ જુનુન દાખવનાર આ યુવાન બીજુ કોઇ નહિ પણ આપણા સુધીરભાઇ.પ્રિન્સિપાલ કોમર્સ કોલેજ શ્રી ડૉ.સુધીરભાઇ ગી.જોશી.પોતે શિક્ષણની ઉચ્ચલાયકાત મેળવી એમ તમામ ચારેય બહેનોએ પણ શિક્ષણની ઉચ્ચ લાયકાત મેળવી લીધી. આજે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગમા વિવિધ સ્થળે બધી બહેનો ફરજ બજાવી રહ્યાં છે. સંતાનો નોકરીએ લાગે પછી માતા-પિતાને આ બાબતે જબરી ટાઢક વળતી હોય છે. માતા-પિતા બન્નેએ ભાવનગર વતનમા અંતિમ સંસ્કાર માટે ઇચ્છા વ્યક્ત કરેલી અને સુધીરભાઇએ તે પણ પુરી કરેલી.સુધીરભાઇનો સ્વભાવ બિલકુલ નારિયેળ જેવો.બહારથી કઠોર પણ અંદરથી સાવ જ કોમળ અને સ્નેહાળ. હા…મહેસાણા કોલેજમાં હતા ત્યારે એક કડક અને શિસ્તના આગ્રહી અદ્યાપક તરીકે ખૂબ નામના મેળવેલી.તેમની આ ‘કડકછાપ’ને કારણે તોફાની વિદ્યાર્થીઓ ખૂબ ફફડતા. પરંતુ તેમની સામે જવામાં કે થવામાં કોઇની હિંમત ચાલતી નહિ.તેનુ કારણ વિદ્યાર્થીઓ પાસેથી જ જાણવા મળ્યું.તેઓ કહે કે , “ સાહેબ,સમય કરતાં વહેલા કોલેજમાં આવે અને કોલેજ સમય બાદ સ્થળ છોડે.એટલું જ નહિ વર્ગમાં તેમનુ કન્ટેન્ટ ખૂબ પાવરફુલ.પ્રામાણિકતા અને નિષ્ઠા તેમની નસેનસમા વહે. હવે કહો, આ સાહેબની સામે થવુ હોય તો યે ક્યા મુદ્દે થવું?ત્યાર પછી અમે તોફાન છોડીને દોસ્તી કરી લેવાનુ પસંદ કર્યુ.” વિદ્યાર્થીઓએ હસતા હસતા જણાવ્યું.પ્રમાણિક માણસનો સામનો કરવો જગતની સૌથી અઘરી બાબત ગણાય છે.એક સાચો અદ્યાપક હંમેશા ડસ્ટર,મસ્ટર અને રજીસ્ટરને વરેલો રહે છે.સમયસર આવવુ,વિષય પર કમાન્ડ હોવો, માત્ર કોર્સપુરો કરવો નહિ પણ મન દઈને ભણાવવું,એ સાચા અદ્યાપક્ની નિશાની છે.

મોડાસા કોલેજમા આચાર્ય તરીકે જોડાયા બાદ મહેસાણા કોલેજની ‘કડક છાપ’ તેમનો પીછો નહોતી છોડતી.વિદ્યાર્થીઓ અને લાગતા વળગતાઓને તેનો અનુભવ પણ થયેલો.પરંતુ ધીરે ધીરે સુધીરભાઇના પરિચયમા આવનારા તમામ એક વાતે સંમત થતા ગયા કે સાહેબ કડક છે, પરંતુ પ્રમાણિક, નિષ્ઠાવાન અને મહેનતુ છે.

મોડાસા કોલેજ કેમ્પસમાં તેમની લોકપ્રિયતા ધીરેધીરે પ્રસરવા અને અનુભવવા લાગી. કેટલાક વિવાદાસ્પદ મુદ્દાઓમાં તેમણે નિર્ભિક રીતે નિર્ણયો લીધા.મોડાસા કોલેજ મંડળ હંમેશા સત્યની પડખે રહેતુ હોય છે તેનો આ લખનારને અનુભવ છે. મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ એક પ્રમાણિક અને કર્તવ્યનિષ્ઠ મંડળ તરીકે સમગ્ર ઉત્તર ગુજરાતમા નામના ધરાવે છે. આજે સુધીરભાઇ મંડળ,વિદ્યાર્થી અને અદ્યાપકો વચ્ચેથી એક લોકપ્રિય પ્રિન્સિપાલ તરીકે ગૌરવભેર નિવૃત થઈ રહ્યાં છે. કોલેજ અને કેમ્પસના વિકાસમાં તથા સેલ્ફ ફાઇનાન્સ કોલેજો લાવવામા તેમનો અનન્ય ફાળો રહ્યો છે.તેઓ નિખાલસતા પૂર્વક કબૂલે છે કે તેમના દીકરા ચિ.જવને તેમને ઘડ્યા છે.તેમના કડક સ્વભાવને ફેરવવામા જવન અને દીકરી ડૉ.જલોર્મિનો મહત્વનો ફાળો છે. જવન આઇ ટી ક્ષેત્રે એંજિનીયર બની વેલસેટ થયો છે તો સુધીરભાઇની લાડકી દીકરી જલોર્મિ મેડિકલના ગાયનેક વિભાગમા પી.જી. કરી રહી છે. એક ડૉક્ટર પત્નિના પતિ તરીકે તેમણે શું ખાવું અને શું ન ખાવું તેની સલાહો કાયમ મળતી રહી છે.અને તેથી જ આ ઉંમરે પણ તેમનુ સ્વાસ્થ્ય જળવાઇ રહ્યું છે. તેનો સઘળો શ્રેય તેમના ધર્મપત્નિ ડૉ.કલ્પનાબેનને જાય છે.

બહેનો અને દીકરીઓ પ્રત્યે સુધીરભાઇને પહેલેથી જ પક્ષપાત રહ્યો છે.આ વાત તેઓ સાનંદ સ્વીકારે છે. પોતાની સફળતાનો સઘળો શ્રેય પોતના બા-બાપુજીએ આપેલાં શિક્ષણ અને સંસ્કારને આપે છે. હું-આ લખનાર અને સુધીરભાઇ એક સમયે કેમ્પસમા પાડોશી રહેલા છે. મારો દીકરો-નાનકડા ચિ.અંગદનો રડવાનો અવાજ પણ જલોર્મિ અને જવન માટે અસહ્ય બની રહેતો. એ જે કરે તે કરવા દો પણ તેને રડાવશો નહિ જેવી લાગણી તેમને વારસામા મળેલી. બાળકોને જે જોઇએ તે આપો પણ દુખી ન થવા દો.આજે પણ સુધીરભાઇને ઘરે મહેમાન તરીકે જતા નાના બાળકો ખાસ્સી ફ્રીડમ ભોગવતા રહે છે.

કહેવાય છે કે જમણો હાથ આપે તો ડાબા હાથને ખબર ના પડે ત્યારે સાચુદાન આપ્યુ કહેવાય. સુધીરભાઇની અનિચ્છા હોવા છતાં લખવુ જરુરી છે.કારણ આ લેખ કેટલાય ભાવિ વિદ્યાર્થીઓ માટે પ્રેરેણાદાયક બની રહેશે. તેમની મહિનાના સેલરી સિવાયની અન્ય તમામ આવક તેમણે દાન કરી છે.પછી તે પરીક્ષા કામગીરી હોય કે પછી વક્તવ્ય પુરસ્કાર હોય કે પ્રવાસ રેમ્યુનેશન હોય કે મળવા પાત્ર અન્ય આવક હોય, બધું ગરીબ વિદ્યાર્થીઓમા વહેંચી દીધુ છે.ધન્ય,ધન્ય છે એમની જનેતા ને.સુધીરભાઇ ખુલ્લા દિલે કબુલે છે કે બુટ ન મળ્યાં ત્યારે ચંપલથી અને ચંપલ ન મળ્યાં ત્યારે સ્લીપરથી ચલાવ્યું છે. પરંતુ કોલેજની ફી ભરવામાં કે પુસ્તકો ખરીદવામાં ક્યારેય કસર કરી નથી. શિક્ષણ એક મોટું હથિયાર છે. દરેક જણે તે કોઇપણ ભોગે મેળવવું જ રહ્યું. વિદ્યાર્થીઓને સંદેશ આપતા તેઓ જણાવે છે ત્રણ પ એટલે કે પ્રમાણિકતા,પરિશ્રમ અને પેશન આ ત્રણ ગુણો તમારામાં હશે તો નક્કી કરેલ તમામ ગોલ હાંસલ કરતા તમને કોઇ રોકી શકશે નહિ. આત્રણેય ગુણો સફળતા મેળવવાના આધારસ્તંભ છે.તેઓ ઉમેરે છે કે જવાબદારી સ્વીકારતા શીખો,મા-બાપને સન્માન આપો, નક્કી કરેલ ધ્યેયને કોઇપણ ભોગે વળગી રહો. નિષ્ફળતા હંમેશા સફળતાનો રસ્તો ગોતી આપે છે.તેમના કાર્યકાળ દરમિયાન વિદ્યાર્થીઓએ અનેક સોપાનો સર કર્યા છે. વિદ્યાર્થીઓ સી.એ.થયા.ટીસીએસ અને વિવિધ બેંકોમા એપોઇન્ટ થયા છે.ચાલુ વર્ષે કોલેજની બે વિદ્યાર્થિનીઓ જે.આર.એફ. (જુનિયર રિસર્ચ ફેલોશિપ) મેળવી શકી છે જે ગૌરવપ્રદ ઘટના છે.ડૉ.સુધીરભાઇ જેવા આચાર્યો હોય એ કેમ્પસ, એ પ્રદેશ અને એ વિદ્યાર્થીઓ સદભાગી ગણાય.!

“જિસ કે જીમે આયે વહિ પાયે રોશની,હમને તો દીયા જલાકર સરેરાહ કર દિયા.”..લેખક:ડૉ.સંતોષ દેવકર (કેળવણીકાર અને કટાર લેખક)

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!