GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા શહેરી કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે

MORBI:મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા શહેરી કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે

 

કાર્યક્રમની પૂર્વ તૈયારી માટે મોરબી મહાનગરપાલિકાના કમિશનરશ્રી સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

આગામી ૨૧ જૂનના રોજ મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરી કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે મહાનગરપાલિકાના કમિશનરશ્રી સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

સમગ્ર વિશ્વ અને દેશમાં ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ગુજરાતમાં પણ વધુને વધુ લોકોને યોગ બાબતે જાગૃત કરવા અને યોગ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબીમાં મહાનગરપાલિકા કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી લોકોને યોગનું મહત્વ સમજાવવા તેમજ તેમની દૈનિક જીવનમાં યોગને મહત્વનું સ્થાન મળે તેવા ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમનું આયોજન કરાયું છે.

મોરબી મહાનગરપાલિકા કક્ષાએ મણીમંદિર ખાતે વહેલી સવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સવિશેષ ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીમાં મુખ્ય સ્ટેજ, ઉદઘોષક, સુશોભન અને ફૂલછોડ, મેડિકલ ટીમ, ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા સહિતની કામગીરી બાબતે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત આ ઉજવણી સવિશેષ બની રહે અને વધુને વધુ લોકો સ્વૈચ્છિક આ કાર્યક્રમમાં જોડાય તે માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું હતું.

આ બેઠકમાં મોરબી મહાનગરપાલિકાના નાયબ કમિશનરશ્રી કુલદીપસિંહ વાળા અને શ્રી સંજય સોની, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિરલ વ્યાસ, સહાયક માહિતી નિયામકશ્રી પારૂલ આડેસરા સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!