GUJARATPANCHMAHALSHEHERA

ગોધરાના વાસાપુર ગામે સેવ એન્ડ એજ્યુકેટ ગર્લ્સ થીમ પર એન.એસ.એસ.ની વાર્ષિક શિબિર સંપન્ન

સામાજિક અને શૈક્ષણિક જાગૃતિના કાર્યક્રમો યોજાયા

 

પ્રતિનિધિ ગોધરા તા.24

 

નિલેશભાઈ દરજી શહેરા

 

પંચમહાલ જિલ્લાના વાસાપુર ગામે સેવ એન્ડ એજ્યુકેટ ગર્લ્સ થીમ પર સતત ત્રીજા વર્ષે એન.એસ.એસ. કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરાની પ્રતિષ્ઠિત શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા ગત તારીખ 16 થી 22 માર્ચ 2026 દરમિયાન વાસાપુર પ્રાથમિક શાળા ખાતે આ વાર્ષિક શિબિર યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ મેમ્બર્સ દ્વારા વિવિધ રચનાત્મક અને સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. સાત દિવસીય આ શિબિર દરમિયાન ગામમાં વિશેષ મહારેલી, ઘરે-ઘરે ખજૂર વિતરણ અને શાળાના બાળકો માટે ચપ્પલ વિતરણ જેવા પ્રેરણીય કાર્યો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગાયનેકોલોજિસ્ટ ડો. સુજાત વલી, કાયદા નિષ્ણાત નિરંજનભાઈ પુરાણી અને જિલ્લા આંકડા અધિકારી પ્રદીપસિંહ હાડા જેવા તજજ્ઞોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને વિવિધ વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આરોગ્ય ક્ષેત્રે દ્રષ્ટિ નેત્રાલય દાહોદના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ, આર.બી.એસ.કે.ના ડો. રવિ મકવાણા અને ડો. શ્વેતા પાંડે દ્વારા હેલ્થ ચેકઅપ તેમજ પીએચસી મહેલોલના ડો. ચિરાગ રાણાના અધ્યક્ષતામાં બ્લડ ગ્રુપિંગ કેમ્પનું આયોજન કરી ગ્રામજનોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.

 

શિક્ષણ અને વિજ્ઞાન પ્રત્યે અભિગમ કેળવવા માટે બહેરા-મૂંગા શાળાની મુલાકાત સહિત મકાઈ સંશોધન કેન્દ્ર અને એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કોલેજનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓએ નાટક, ડાન્સ અને ગીતોના માધ્યમથી વ્યસન મુક્તિ, નારી શક્તિ, બેટી બચાવો-બેટી પઢાવો અને બાળ વિવાહ જેવા સામાજિક દૂષણો સામે જાગૃતિ ફેલાવી હતી, જેને ગ્રામજનોએ ઉત્સાહભેર બિરદાવી હતી. આ કાર્યક્રમોમાં ગોવિંદી માર્ટના જગદીશભાઈ બારીયા, સંગીત શિક્ષક લખન મખન અને બિલ્ડર મેહુલ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શિબિરના અંતિમ દિવસે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલ સચિવ ડો. અનિલ સોલંકીએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી જણાવ્યું હતું કે, એન.એસ.એસ. દ્વારા વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે છે અને ગ્રામીણ જોડાણ મજબૂત થાય છે. સમાપન સમારોહમાં શૈક્ષણિક સિદ્ધિ મેળવનાર ગ્રામીણ પ્રતિભાઓ તેમજ એન.એસ.એસ.માં શ્રેષ્ઠ દેખાવ કરનાર સ્વયંસેવકો અને વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ટ્રોફી તથા સન્માન પત્ર આપી નવાજવામાં આવ્યા હતા. આ તકે ગણિત વિભાગના એસ.એલ. ટંડેલ, ડો. કેતન સાચલા, ડો. સુનીતાબેન ઠક્કર, ડો. ભાવેશ, દિલીપભાઈ પુવાર સહિત ગામના અગ્રણીઓ ભાઈલાલભાઈ અને કિશોરભાઈ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યા મનિષાબેન પરમાર તથા સ્ટાફ મિત્રો અનિતાબેન માછી, અમિતભાઈ પરમાર અને સ્મિતાબેન ભરવાડે કેમ્પની સફળતા માટે પૂરતો સહયોગ આપ્યો હતો. સમગ્ર કેમ્પનું સંચાલન સતત ત્રીજા વર્ષે એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. રૂપેશ નાકરે કર્યું હતું. જ્યારે ડો. ગૌતમ ચૌહાણે સંયોજનમાં સહકાર આપ્યો હતો. કોલેજના આચાર્ય ડો. એમ.બી. પટેલે તમામ સહભાગીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!