મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકમાં 4.90 કરોડનું કૌભાંડ થયું હોવાનો આરોપ
આ અંગે સંયુક્ત નૈતિક માનવ અધિકારના સમિતિએ પત્રકાર પરિષદ કરીને કહ્યું કે વિજય નાવડિયાએ સુરતના વરાછા ખાતેની બ્રાન્ચમાં લોન માટે અરજી કરી હતી, પરંતુ લોન મંજૂર કર્યા વિના તેમના ખાતામાંથી કરોડો રૂપિયા ઉપડી ગયા હતા

મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકમાં 4.90 કરોડનું કૌભાંડ થયું હોવાનો આરોપ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિએ લગાવ્યો છે.. આ કૌભાંડ વિજય નાવડિયા નામના વ્યક્તિ સાથે થયું હોવાનો આરોપ લાગ્યો છે. આ અંગે સંયુક્ત નૈતિક માનવ અધિકારના સમિતિએ પત્રકાર પરિષદ કરીને કહ્યું કે વિજય નાવડિયાએ સુરતના વરાછા ખાતેની બ્રાન્ચમાં લોન માટે અરજી કરી હતી,. પરંતુ લોન મંજૂર કર્યા વિના તેમના ખાતામાંથી કરોડો રૂપિયા ઉપડી ગયા હતા. તેમનો આરોપ છે કે લોન મંજૂર થાય તે પહેલાં કોરા ચેકના આધારે અરજદારના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર થયા. ફરિયાદીને લોનનું વ્યાજ ભરવા માટે મેસેજ આવ્યો, ત્યારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું.
જો કે, કૌભાંડ થયું હોવાનું લાગતા ફરિયાદીએ સુરતની વરાછા અર્બન મહેસાણા બેંક અને મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકનો સંપર્ક કર્યો હતો. જે બાદ પોલીસ ફરિયાદના ભયને લઈ કૌભાંડીઓએ ફરિયાદીના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનું તેમણે જણાવ્યું. આ અંગે ફરિયાદીએ વરાછા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, પરંતુ વરાછા પોલીસે ગુનો પોતાની હદમાં ન બન્યો હોવાનું કારણ બતાવી અરજી દફતરે કરી હતી. જે બાદ કૌભાંડીઓએ ફરિયાદીનું એકાઉન્ટ ફ્રીઝ કર્યું છે. જેથી સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિએ મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકમાં કૌભાંડ થયાના આક્ષેપ સાથે સીબીઆઇ તપાસની માંગ કરી છે.





