*જામનગરમાં બે કલાકમાં ત્રણ ઇંચ જ્યારે જામજોધપુરમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ થી સમગ્ર પંથક પાણી પાણી*
જામનગર (નયના દવે)
જામનગર શહેરમાં બપોરે બે કલાકના સમયગાળા દરમિયાન અનરાધાર મેઘ મહેર વરસી હતી. અને ફક્ત બે કલાકમાં જ ત્રણ ઇંચ થી વધુ વરસાદ વરસી જતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તેવી જ રીતે જામજોધપુરમાં પણ ચાર કલાકમાં લગભગ પોણા ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો .
જામનગર જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસ થી સતત મેઘમહેર થઈ રહી છે ત્યારે ગઈકાલે બપોર પછી થી આજે બપોર સુધી મેઘરાજા વિરામ રાખ્યો હતો. પરંતુ બપોર પછી ફરી એક વખત વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું અને વાતાવરણ મા અંધારું જોવા મળ્યું હતુ.
અને ઠંડા પવન સુસવાટ મારતા પવન વચ્ચે જામજોધપુરમાં બપોરે ૧૨ થી ૨ ના બે કલાક ના સમયગાળા દરમિયાન ૩૩ મીમી બપોરે બે થી ચાર વાગ્યા નાં બે કલાકના સમયગાળા દરમિયાન ૫૭ મળી કુલ ચાર કલાકમાં ધનાધન ચાર ઇંચ વરસાદ વરસી ગયો હતો. પરિણામે સમગ્ર તાલુકો પાણી-પાણી થઈ જવા પામ્યો હતો.
તેવી જ રીતે જામનગર શહેરમાં બપોરે ૪ થી ૬ એમ બે કલાક નાં સમય ગાળા દરમિયાન ૭૯ મીમી એટલે કે ત્રણ ઇંચ થી વધુ વરસાદ વરસી જતા શહેર નાં અનેક વિસ્તારો માં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે લાલપુરમાં ૨૨ મીમી એટલે કે એક ઇંચ , જોડીયામાં ૧૪ મીમી એટલે કે અડધો ઇંચ જ્યારે ધ્રોલ અને કાલાવડમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા.
જિલ્લાના અનેક જળાશયો બે ત્રણ દિવસ પહેલા જ સારા વરસાદને કારણે છલકાઈ ગયા હતા ત્યારે આજે ઉપરવાસ માં થયેલા વરસાદના કારણે વધુ પાણી ની આવક થતા કેટલાક ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી જેમાં ફુલઝર કોટડા બાવીસી ડેમના ૮ દરવાજા પાંચ ફૂટ ,ઉમિયા સાગર ડેમના ૬ દરવાજા બે ફૂટ તથા રંગમતિ ડેમના બે દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા. આથી હેઠવાસના વિસ્તારોને સલામત સ્થળે ખસી જવા અને નદીના પટના અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી હતી.
શહેરના પાણી પૂરું પાડતા અને નગરજનો માટે જીવાધારી સમાજ રણજીતસાગર ડેમ આજે બપોરે સંપૂર્ણપણે છલકાઈ ને ઓવરફ્લો થઈ ગયો હતો. આ ઉપરાંત અનેક જળાશયોમાં નવા નીર ની આવક થવા પામી છે .