ગુજરાત હાઇકોર્ટે માથે મેલુ ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા રાજ્ય સરકારને નિશ્ચિત રૂપરેખા રજૂ કરવા આદેશ આપ્યો

ગુજરાત હાઇકોર્ટે મેન્યુઅલ સ્કેવેન્જિંગ એટલે કે માથે મેલુ ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા રાજ્ય સરકારને નિશ્ચિત રૂપરેખા રજૂ કરવા આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી એન રેની ખંડપીઠે જાહેરહિતની અરજી પર સુનાવણી દરમિયાન નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગથી થતાં મૃત્યુને હતાશાજનક ગણાવ્યાં.
કોર્ટે પૂછ્યું કે મૃત્યુ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેવાયાં છે?.સરકારે જવાબમાં કોર્ટને જણાવ્યું કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરાયા છે. જુનાગઢમાં બે દિવસ પહેલાં ગટરમાં મેન્યુઅલ સફાઈનો વીડિયો સામે આવ્યો હતો, જે સરકારની નિષ્ફળતા દર્શાવે છે.
જાહેર હિતની રિટ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ શહેરમાં જજીસ બંગવો વિસ્તારમાં મેન્યુઅલ સ્કેવેન્જીંગ દરમિયાન સફાઈ કામદારની મોતની ઘટનામાં કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેવાયા તે બાબતે પૃચ્છા કરાઈ હતી, જેના જવાબમાં સરકારપક્ષ તરફથી જણાવાયું હતું કે કસૂરવાર કોન્ટ્રાક્ટરને ગેરલાયક ઠરાવીને તેને બ્લેક લિસ્ટ કરાયો છે. ઉપરાંત હવે કોન્ટ્રાક્ટર પાસેથી બાંહેધરી પણ લેવામાં આવે છે કે, કોઈપણ કાનદારને ગટરમાં ઉતારાશે નહીં કે મેન્યુઅલ સ્કવેજીંગ નહીં કરાવાય.
દરમિયાન તાજેતરમાં શહેર સહિત રાજ્યભરમાં મેન્યુઅલ સ્કવેન્જીંગની ઘટનામાં મૃત્યુ પામેલા કામદારોના પરિવારોને વળતર ચૂકવવા સંબંધિત માહિતી કોર્ટમાં રજૂ કરાઈ હતી. આ કેસમાં હાઈકોર્ટના આકરા વલણને પગલે ખુદ રાજ્ય સરકાર તરફથી પણ અગાઉસ્વીકાર કરાયો હતો કે રાજ્યભરમાં મેન્યુઅલ સ્કવેન્જીંગ માટે પ્રતિબંધ છે જ અને તેછી ગટરની સફાઈ યાંત્રિક સાધનોથી કરવાની રહે છે. કોઈને પણ ગટરમાં ઉતારવાની ફરજ પાડી શકાય નહીં.




