Gondal: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો
તા.૨૧/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
“પૌષ્ટિક વાનગી સ્પર્ધા” યોજાઇ: વિજેતાઓને સન્માનિત કરાયા
Rajkot, Gondal: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં જિલ્લા પંચાયતની આઇ.સી.ડી.એસ. શાખા દ્વારા ગોંડલ ઘટક ૧ અને ૨ નો તાલુકા કક્ષાનો પોષણ ઉત્સવ-૨૦૨૫ કાર્યક્રમ ગોંડલ ખાતે યોજાયો હતો. જેમાં ઉપસ્થિતોને પોષણ અંગેના શપથ લેવડાવી પોષણ માસ-૨૦૨૫ નો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ પોષણયુક્ત ખોરાક મેળવી સુપોષિત બને તેવા હેતુથી આ અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે ટેક હોમ રાશન (માતૃશક્તિ, બાલ શક્તિ અને પૂર્ણા શક્તિ), મિલેટ (શ્રી અન્ન) તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરીને રોજિંદા ખોરાકમાં સામેલ કરી શકાય તેવી પૌષ્ટિક વાનગીઓ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ શુભાશયથી રાજ્યભરમાં જુદા-જુદા સ્તરે “પોષણ ઉત્સવ-૨૦૨૫” અંતર્ગત “પૌષ્ટિક વાનગી સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આરોગ્ય વિભાગ દ્રારા તમામ બહેનોનું મેડિકલ સ્કિનિંગ પણ કરવામાં આવ્યું હતું.
આંગણવાડી કેન્દ્રના કાર્યકર અને તેડાગર બહેનો તેમજ સગર્ભા, ધાત્રી અને કિશોરીઓએ વિવિધ પ્રકારની વાનગી બનાવીને બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ૧ થી ૩ નંબર મેળવનાર બહેનોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી ઉકાવાલા, તાલુકા હેલ્થ ઓફીસર શ્રી ગોહિલ, સી.ડી.પી,ઓ શ્રી સોનલબેન વાળા, મેડિકલ ઓફિસર ડો. દિવ્યા તેમજ આરોગ્ય વિભાગનો સ્ટાફ, આશાવર્કર બહેનો તેમજ આઇ.સી.ડી.એસ. વિભાગનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.