રાજ્યપાલ એવી જગ્યાએ કામ કરી રહ્યા છે, જ્યાં તેમણે કામ ન કરવુ જોઈએ : જજ નાગરત્ના

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીવી નાગરત્નાએ શનિવારે રાજ્યપાલોની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે રાજ્યપાલ એવી જગ્યાએ કામ કરી રહ્યા છે, જ્યાં તેમણે કામ ન કરવુ જોઈએ અને જ્યાં કામ કરવાનું છે, સક્રિય ભૂમિકા ભજવવાની છે, ત્યાં કોઈ કામગીરી કરતાં નથી. સુપ્રીમ કોર્ટમાં રાજ્યપાલો સામે ચાલી રહેલા મામલાઓ પર ચિંતા વ્યક્ત કરતા જજે આ પરિસ્થિતિને દુઃખદ ગણાવી છે.
જજ બીવી નાગરત્નાએ એવા સમયે આ નિવેદન આપ્યું છે કે, જ્યારે કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોએ પોતાના રાજ્યપાલો દ્વારા ધારાસભ્યોને મંજૂરી ન આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. કોર્ટે અન્ય એક મામલામાં પણ બંધારણની કલમ 361 અંતર્ગત રાજ્યપાલોને ફોજદારી કાર્યવાહીમાં આપવામાં આવેલી છૂટના મામલે તપાસ કરવા સહમતિ દર્શાવી છે.
બેંગલુરુમાં NLSIU પેક્ટ કોન્ફરન્સમાં સમાપન દરમિયાન મુખ્ય વક્તવ્ય આપતા જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે આજના સમયમાં, કમનસીબે, ભારતના કેટલાક રાજ્યપાલો એવી ભૂમિકાઓ ભજવી રહ્યા છે જે તેમણે ભજવવી જોઈએ નહીં અને તેઓએ જ્યાં કામગીરી કરવી જોઈએ ત્યાં તે નિષ્ક્રિય છે. સુપ્રીમ કોર્ટમાં રાજ્યપાલો સામેના કેસો એ ભારતમાં રાજ્યપાલના બંધારણીય પદ માટે દુઃખદ ઘટના છે.
રાજ્યપાલોની નિષ્પક્ષતાના મુદ્દે વકીલ અને સામાજિક કાર્યકર્તા દુર્ગાબાઈ દેશમુખને ટાંકીને જજે કહ્યું કે રાજ્યપાલ પાસે કંઈક કામ કરવાની અપેક્ષા છે. અમે અમારા બંધારણમાં રાજ્યપાલનો સમાવેશ કરવા માંગીએ છીએ, કારણ કે અમને લાગે છે કે જો રાજ્યપાલ ખરેખર તેમની ફરજો પ્રત્યે સભાન હોય અને તે સારી રીતે કામ કરે તો આ સંસ્થા વિરોધાભાસી જૂથો વચ્ચે એક પ્રકારની સમજ અને સુમેળ લાવશે. રાજ્યપાલે પક્ષના રાજકારણ, જૂથબંધીથી દૂર રહી કામ કરવુ જોઈએ.
કર્ણાટકના રાજ્યપાલ થાવર ચંદ ગેહલોત અને રાજ્યની કોંગ્રેસ સરકાર વચ્ચે કથિત MUDA (મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) સ્થળ ફાળવણી કૌભાંડમાં ચાલી રહેલા મતભેદ વચ્ચે સુપ્રીમ કોર્ટના જજે આ ટકોર કરી છે, જેમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીનું નામ સામે આવ્યું છે આવો ગેહલોતે ગયા અઠવાડિયે સિદ્ધારમૈયાને શો-કોઝ નોટિસ ફટકારી હતી. ગુરુવારે, કર્ણાટક સરકારે એક ઠરાવ પસાર કરીને રાજ્યપાલને નોટિસ પાછી ખેંચવાની “મજબૂત અપીલ” કરી હતી.




