ધુંવાવમાં કુપોષીત બાળકોને પોષણ કીટ અપાઇ

*કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ધુંવાવ ગામ ખાતે કુપોષિત બાળકોને પોષણ કીટ અર્પણ કરાઈ*
*જામનગર (ભરત ભોગાયતા)
રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બાળકોને પોષણ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં આંગણવાડી કેન્દ્ર અને નંદ ઘરમાં અભ્યાસ કરતા 8 જેટલા અતિ કુપોષિત બાળકોને કેબિનેટ મંત્રીશ્રીના હસ્તે પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે કૃષિમંત્રીશ્રી જામનગર જિલ્લાના અતિ કુપોષિત અને કુપોષિત બાળકોને સ્વખર્ચે પોષણ કીટનું વિતરણ કરે છે. આ પોષણ કીટમાં ખજૂર, મગ, માંડવી, ઘી, પ્રોટીન પાવડર, રાગીના બિસ્કીટ્સ, દાળિયા વગેરે પોષણક્ષમ આરોગ્યપ્રદ ફૂડ આઈટમ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી અતિ કુપોષિત અને કુપોષિત બાળકોનો શારીરિક વિકાસ વધે અને તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
કૃષિમંત્રીશ્રીએ ઉપસ્થિત સર્વેને તેમના બાળકોની નિયમિત આરોગ્ય ચકાસણી કરાવવા, આંગણવાડીની વિવિધ પ્રવૃત્તિઓમાં બાળકો ભાગ લે, તેમને પ્રોત્સાહન પૂરું પાડવા, બાળકોને જંક ફૂડની બદલે પોષણક્ષમ આહાર આપવા માટે ખાસ અપીલ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન લોક આગેવાન શ્રી કુમારપાલસિંહ રાણા, શ્રી મુકુંદભાઈ સભાયા, શ્રી ગિરિરાજસિંહ જાડેજા, ધુંવાવ ગ્રામ સરપંચશ્રી, આજુબાજુના ગામમાંથી પધારેલા આગેવાનો, લાભાર્થીઓ, બાળકો, આંગણવાડીના કાર્યકર બહેનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
*000000*






