પ્રતિનિધિ:ઉમરેઠ
તસ્વીર:કુંજન પાટણવાડીયા
આણંદ જીલ્લાના ભાલેજ મુકામે છેલ્લા કેટલાય સમયથી નગરજનો ટ્રાફિક સમસ્યાને લઇને હાલાકી ભોગવી રહ્યા છે.ભાલેજ ચોકડી પાસે ઓવરબ્રીજની કામગીરી ચાલી રહી છે ત્યારે અનેક ડાયવર્ઝન આપેલ છે પરંતુ કેટલાક વાહનો ભાલેજ ગામમાંથી પસાર થતા રસ્તાનો ઉપયોગ કરી અવરજવર કરી રહ્યા છે જેના કારણે નગરમાં ભારે ટ્રાફિક જામ થવાની સમસ્યા ઊભી થઈ રહી છે.ગ્રામજનો જણાવી રહ્યા છે કે કેટલાક વાહન ચાલકો ગામમાંથી પૂરઝડપે વાહન લઇને નીકળે છે તો ક્યારેક અકસ્માત થવાનો પણ ભય રહે છે અને કેટલીય વખત રજુઆત કરવા છતાં ટ્રાફિક સમસ્યાનું કોઈ નિરાકરણ ગ્રામજનોને મળેલ નથી.
ગત રોજ ભાલેજ નગર ખાતે સાંજના સુમારે ભાલેજ પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક ડ્રાઇવ ચાલી રહી હતી ત્યારે આ ડ્રાઇવથી નગરજનો માં આક્રોશ જોવા મળ્યો હતો અને સમગ્ર ગ્રામજનો મોટી સંખ્યામાં ભાલેજ પોલીસ સ્ટેશન ખાતે રજુઆત કરવા માટે પહોંચ્યા હતા અને ગ્રામજનો જણાવી રહ્યા હતા કે ભાલેજ પોલીસ તંત્ર ટ્રાફિક સમસ્યાના નિરાકરણ લાવવા ને બદલે ગામમાં આવીને નગરજનોને મેમા આપી રહ્યા છે અને ગ્રામજનોની રજુઆત સંદર્ભે કોઈ ધ્યાન નથી.મોટી સંખ્યમાં રજુઆત કરવા માટે પહોંચેલ ટોળાને વિખેરવા માટે અને સ્થિતિ વણસે એ પહેલાં જ ડી.વાય.એસ.પી, એસ.ઓ.જી, એલ.સી.બી તથા સમગ્ર આણંદ જીલ્લા પોલીસ તંત્ર ભાલેજ ખાતે આવી પહોંચ્યા હતા અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.