Rajkot: “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત” રાજકોટમાં વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે ત્રણ સ્થળોએ ઓબેસિટી-ફ્રી કેમ્પ યોજાશે
તા.૧૩/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૬ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન લોકોમાં સ્થૂળતા દૂર કરવા માટે ૭૫ સ્થળોએ ૩૦ દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આશય યોગાસનો, પ્રાણાયામ અને યોગ્ય આહાર થકી મેદસ્વિતાને દૂર કરવાનો છે. જેના ભાગરૂપે રાજકોટમાં ત્રણ સ્થળોએ રીઝલ્ટ ઓરીએન્ટેડ ઓબેસિટી-ફ્રી કેમ્પ યોજાનારા છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજકોટ શહેરમાં વિરાણી બહેરા-મૂંગા શાળા (ઢેબર રોડ), ઇન્ડોર સ્ટેડિયમ (રામધણ નજીક, મવડી) અને મલ્ટી એક્ટીવિટી સેન્ટર (મહિલા જીમ, નાના મૌવા સર્કલ) ખાતે સવારે ૦૬-૩૦ કલાકથી સવારે ૦૮ કલાક દરમિયાન ઓબેસિટી-ફ્રી કેમ્પ યોજાશે. જેમાં સાધકોને ડાયટ ચાર્ટ તૈયાર કરી અપાશે અને દરરોજ હર્બલ પીણું અપાશે. આ શિબિરના અંતે સાધકોને મેદસ્વિતાનો રીપોર્ટ અપાશે. આ કેમ્પમાં જોડાવા માટે https://forms.gle/JpEzUTWATiWsMP6y6 લિંક પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ આયોજનને સફળ બનાવવા માટે યોગ કો-ઓર્ડીનેટર્સ શ્રી વંદનાબેન રાજાણી, શ્રી મીતાબેન તેરૈયા અને શ્રી ગીતાબેન સોજીત્રા સહિત સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યો છે.