
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના કૃષિ પાકને થયેલા વ્યાપક નુકસાનની સ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાત્કાલિક સર્વે અને પંચ રોજકામ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સ્થિતિમાં ડાંગ જિલ્લામાં અસરગ્રસ્ત ગામોમાં ડાંગર, નાગલી, કઠોળ વગેરેની ખેતીને નુકસાની થઈ છે.
ડાંગ જિલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા કુલ ૧૦૦ ટીમો તેમજ ખેતીવાડી અધિકારીશ્રીઓ દ્વારા જાત મુલાકાત લઇ તમામ ૩૧૧ ગામડાઓમા પાક નુકસાની અંગે સર્વેની કામગીરી હાથ ઘરવામાં આવી છે. ખેતીવાડી વિભાગના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓની ટીમ નુકસાનીનો રિપોર્ટ તૈયાર કરવા માટે કાળજીપૂર્વક કામગીરી કરી રહી છે. આમ જિલ્લાના તમામ ગામોમાં પાક નુકસાનીના સર્વેની કામગરી પૂર્ણ કરવા માટે તમામ ટીમો સજ્જ બની છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી બાલુભાઇ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ ૫૭,૫૫૧ હેક્ટર વાવેતરનો વિસ્તાર છે. જેમાં ૩૦૮૭૦ હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવેલ છે. પાક નુકસાની અંગે પ્રાથમિક સર્વેની કામગીરી હાથ ધરતાં કુલ ૩૪૬૬ ખેડુતોનું ૩૦૩૬ હેક્ટર વિસ્તારમાં ડાંગર નુકસાની અંગેનો સર્વે રિપોર્ટ મળેલ છે. અને સર્વેની કામગીરી હાલમાં ચાલું છે.
વઘુમાં તેઓએ જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લામાં કુલ ૧૦૦ ટીમો દ્વારા ૩૧૦ ગામના ચારે દિશામાં આવેલા ખેતરોની મુલાકાત લઈ અને પંચરોજ કામના આધારે પાક નુકસાનીનો અંદાજ મેળવવામાં આવી રહ્યો છે. જેના આધારે પંચરોજ કામ કરીને સર્વેની કામગીરી કરવામાં આવી છે. તેમજ કામગીરી પુર્ણ થયે સંકલિત અહેવાલ રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે.
હાલ સર્વે માટેની ટીમો સતત ગ્રામ્ય કક્ષાએ ફિલ્ડ મુલાકાત લઈને નુકસાનીના સર્વેની કામગીરી કરી રહી છે. ગ્રામ્ય રિપોર્ટના આધારે તાલુકા કક્ષાએ પણ ઝડપી કાર્યવાહી શરૂ છે. ત્યારે જિલ્લામાં હાલ કરવામાં આવી રહેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરતા ડાંગ જિલ્લાના આહવા તાલુકાના મહાલપાડા ગામના ખેડૂત શ્રી તુળશીરામભાઇ દેશમુખે જણાવ્યું હતું કે, તેઓ કુલ ૧૦ હેક્ટર વિસ્તારમાં ડાંગર, નાગલી, મગફળી તેમજ કઠોળ પાકની ખેતી કરી છે. જેમાં ડાંગરના પાકને મોટાપાયે નુકસાન થયું છે. ડાંગર પાકને નુકસાન થતાં તેઓને પાક માંથી આવક મળવાની શક્યતા ઓછી જણાઇ રહી છે. પરંતુ ખેતીવાડી અધિકારીશ્રીઓ દ્વારા ખેતરના પાક નુકસાની અંગે સર્વેની કામગીરી કરવામાં આવી છે જેથી તેઓને સરકારશ્રી પાસેથી તુરંત સહાયની ખાતરી મળતા ચિંતા હળવી થઈ છે તેમ તેઓએ વઘુમાં જણાવ્યું હતું.
વધુ એક ખેડુત અમ્રતભાઇ એ જણાવ્યું હતું કે, ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે જેથી સરકાર દ્વારા નુકસાની થયેલ પાક અંગે સર્વેની કામગીરી હાથ ધરવામા આવમાં આવતાં તેઓને રાહત થઇ છે. તેઓને સરકાર તરફથી નુકાસાની બાબતે સહાય મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કમોસમી વરસાદ બાદ સર્જાયેલી આ કપરી સ્થિતિમાં રાજ્ય સરકાર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલના માર્ગદર્શનમાં જગતના તાતની પડખે રહી અને બનતી ત્વરાએ મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે.
				



