
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
ખેરગામમાં વર્ષો જૂની ભૂગર્ભ ગટર સમસ્યા હજુ સુધી યથાવત રહેતા ખેરગામ બજાર તથા વિવિધ શેરીોમાં રહેવાસીઓએ બોર્ડ લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. બોર્ડ પર “કામ નહીં તો ભાજપને વોટ નહીં”, “ડ્રેનેજ લાઇનની સમસ્યા હલ કરો” તેમજ “જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો લખવામાં આવ્યા હતા. વર્ષો જૂની ખાનગી ડ્રેનેજ લાઇન વારંવાર ઉભરાતી હોવાથી ગામમાં ભૂગર્ભ ગટર યોજના મંજૂર કરવા માટે આગેવાનો દ્વારા ગાંધીનગર સુધી અનેક રજુઆતો કરવામાં આવી હતી. અંતે તાલુકા પંચાયતના માજી પ્રમુખ રક્ષાબેન પ્રશાંતભાઈ પટેલ તથા ધારાસભ્ય નરેશભાઈ પટેલના પ્રયત્નોથી ગ્રાન્ટ ફાળવાઈ હતી. જાન્યુઆરી-2023માં બજારમાં નવા મોટા પાઇપ નાખવાની કામગીરી શરૂ થતાં લોકોને ઉભરાતી ગટર સમસ્યામાં થોડો રાહત મળી હતી.પરંતુ, નવી ગટર લાઇન હોવા છતાં પાણીનો નિકાલ સુચારૂ ન થવાથી ફરી ગટર ઉભરાવાની સમસ્યા સર્જાઈ છે. મુખ્ય રોડ પર પાણી ફેલાઈ જાય છે, જ્યારે વૃંદાવન સોસાયટી સહિત આશરે 25–30 ઘરોમાં ગંદકી ઘૂસી જવાથી સ્વચ્છતા અને આરોગ્ય માટે જોખમ ઊભું થયું છે. મંદિર પાછળના વિસ્તારોમાં પણ ગટરનું પાણી બહાર આવવાથી પરિસ્થિતિ ગંભીર બની રહી છે.સ્થાનિકોમાં ચર્ચા છે કે 28 ફ્લેટનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, જેમાં માત્ર એક નાનો ખારકુવો બનાવવામાં આવ્યો છે અને તેનું કનેક્શન સીધું જ ગટરલાઇન સાથે જોડવામાં આવ્યું છે. ઉપરાંત ઘણા ઘરોમાં ખારકુવો કે શોષકુવો ન હોવાને કારણે ગટર ઉપર આવવાની સમસ્યા વધુ વિકરાળ બની છે. ગંદુ પાણી કોટરમાં છોડવાથી પર્યાવરણ તેમજ સ્થાનિક લોકો બંને માટે ગંભીર સ્થિતિ ઊભી થઈ છે.



