વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
પેટા:બિરસા મુંડા સર્કલ પાસે સવારે 10:30 વાગ્યે અગ્રણીઓ દ્વારા પ્રકૃતિની પૂજા કરી રેલીની શરૂઆત કરાશે ખેરગામ: આદિવાસી સમાજને બચાવવાના પ્રયાસરૂપે વર્ષ-1992માં 9 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની જાહેરાત કરવામાં આવી હતી. જેનાં સારાં પરિણામો પણ મળ્યાં છે. આજનો આદિવાસી સમાજ ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે. જો કે, સમયની સાથે રહેણીકરણી સહિત પરંપરાઓ બદલાઈ રહી છે. પણ આજે શિક્ષણ, તબીબી, વેપાર કે રાજકારણ હોય, કોઈપણ ક્ષેત્રમાં આદિવાસીઓની પ્રગતિ આંખે ઊડીને વળગે એવી છે. ત્યારે આગામી તા.9મીએ ખેરગામના બિરસા મુંડા સર્કલ પાસે સવારે 10:30 વાગ્યે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી ઉજવણી કરાશે,જેમાં રાજકારણથી પર રહી ભાજપ,કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સામાજિક સંસ્થાના આદિવાસી અગ્રણીઓ એકમંચ પર જોવા મળશે. આ પ્રસંગે ખેરગામ મેઈન બજાર ઝંડા ચોક, ગાંધી સર્કલ, આંબેડકર સર્કલ સુધી વિશાળ રેલીનું આયોજન કરાયું છે.આદિવાસી એટલે પ્રાચીન સમયથી રહેતો આવેલો અને હાલ માનવ સંસ્કૃતિના પ્રારંભિક જીવન જીવતો સમૂહ. ગુજરાતમાં છેક અંબાજીથી ઉંમરગામ સુધીના બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ અને ડાંગ જિલ્લામાં આદિવાસી સમૂહ મોટી સંખ્યામાં વસે છે. દક્ષિણ ગુજરાતમાં ચૌધરી, ગામીત, ધોડિયા, કુંકણા વગેરે જાતિ ખૂબ જ પ્રચલિત છે. જેની બોલી પણ અન્ય સમાજથી અલગ પડે છે. ધોડિયા સમાજની ધોડિયા ભાષા, ચૌધરીઓની ચૌધરી ભાષા, ગામીતોની ગામીત ભાષા, ગરાસિયાઓની ગરાસિયા ભાષા એ ભાષા વૈવિધ્યનો પુરાવો છે. જો કે, સમયની સાથે આદિવાસી સંસ્કૃતિ, કલા, જ્ઞાન, વારસો, ઇતિહાસ, અસ્તિત્વ, આત્મગૌરવ તેમજ સ્વશાસન, સ્વાવલંબન જ્યારે નાશ પામી રહ્યા છે ત્યારે યુનોએ આખી દુનિયાના 68 દેશના બુદ્ધિજીવી, વૈજ્ઞાનિકો,અર્થશાસ્ત્રીઓ,વગેરે તજજ્ઞો મળી પર્યાવરણ તથા આદિવાસી સમાજને બચાવવાના પ્રયાસરૂપે વર્ષ-1992માં 9 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની જાહેરાત કરી હતી.જે વિશ્વમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે.ત્યારે આદિવાસી સમાજમાં છેલ્લા થોડાં વર્ષોથી રાજકીય પ્રવાહ ભલે પલટાયો હોય,પરંતુ સમાજની એકરાગીતાની વાત આવે તો તમામ પક્ષના અગ્રણીઓ ભેદભાવ ભૂલી એકમંચ પર જોવા મળે છે.ખેરગામ તાલુકા આદિવાસી સમિતિના નેજા હેઠળ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી,સામાજિક સંસ્થાના આદિવાસી અગ્રણીઓ પક્ષાપક્ષી, ધર્મજાત, આંતરિક લડાઈ સાઈડ પર મૂકી આદિવાસી સમાજની એકતા મજબૂત કરવા 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યા છે.બિરસા મુંડા સર્કલ પાસે સવારે 10:30 વાગ્યે અગ્રણીઓ દ્વારા પ્રકૃતિની પૂજા કરી રેલીની શરૂઆત કરાશે.જે રેલી ખેરગામ મેઈન બજાર ઝંડા ચોક, ગાંધી સર્કલ,આંબેડકર સર્કલ સુધી યોજાશે,જેમાં ખેરગામ તાલુકાના દરેક ગામના સરપંચો, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ચુંટાયેલા આદિવાસી સમાજના પ્રતિનિધિઓ, તમામ આદિવાસીઓ સમાજના લોકો એકત્રિત થશે.