Dhoraji: “૭૬મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ – ૨૦૨૫” વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ધોરાજી ખાતે યોજાયો

તા.૨/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
“યુવાનોએ પોતાના જન્મદિવસ સહિતના પ્રસંગ પર એક વૃક્ષ વાવીને પ્રસંગ યાદગાર અને અન્યો માટે ઉપયોગી બનાવવો જોઈએ: નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા
Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લામાં “એક પેડ મા કે નામ ૨.૦” થીમ હેઠળ ૭૬મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને અને કલેક્ટર શ્રી ડૉ. ઓમ પ્રકાશની વિશેષ ઉપસ્થિતિમાં ધોરાજીની ઈમ્પીરિયલ સાયન્સ સ્કૂલ, જામકંડોરણા રોડ ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું કે, “એક વૃક્ષ અનેક આશાઓ”ના કથનને સાર્થક કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “એક પેડ મા કે નામ” અભિયાનની શરૂઆત કરી હતી. જે અન્વયે પ્રથમ અભિયાનમાં ૧૭ કરોડથી વધુ વૃક્ષ વાવવામાં આવ્યા હતાં. હવે આ અભિયાનના દ્વિતીય સંસ્કરણ “એક પેડ મા કે નામ ૨.૦” અન્વયે ૧૦ કરોડથી વધુ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક છે. આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ખેડા જિલ્લાના ગળતેશ્વર વન ખાતે રાજ્યકક્ષાનો વન મહોત્સવ ઉજવાયો હતો. જેના ભાગરૂપે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં વન મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વન વિભાગ દ્વારા ૬૧૫ જાહેર માર્ગોની બંને બાજુએ ૭.૫૦ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યની સમૃદ્ધ વિરાસત નિર્માણ પામતા નવા સાંસ્કૃતિક વનમાં પ્રતિબિંબિત થાય તે પ્રમાણે દીર્ઘદૃષ્ટિ ભર્યું આયોજન કર્યું હતું આ અન્વયે ગુજરાતના ૨૦ જિલ્લાઓમાં ૨૪ જેટલા સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેથી મુસાફરો અને રાજ્યના નાગરિકો વૃક્ષની છાયા અને વૃક્ષોથી થતાં અનેક ફાયદાઓને માણી શકે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રસાયણોથી પ્રદૂષિત થયેલો ખોરાક કેન્સરનું કારણ બન્યો છે.
ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે, જેને નાથવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ અભિયાનની મુહિમ ગામડાઓના ખેડૂત સુધી પહોંચાડી છે અને આજે અનેક ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિના અભિગમને અપનાવ્યો છે. ઉપરાંત, રાજકોટ જિલ્લાની ૧૨ નર્સરીઓમાં ૨૫ લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. રાજકોટના કાગવડ ખાતે શક્તિવન તથા શહેરમાં રામવન નિર્માણ કરવામાં આવ્યું છે, જે પ્રવાસના શોખીનો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભારતીય સંસ્કૃતિમાં છોડને રણછોડ તરીકે ઓળખાય છે. હવા,પાણી અને જમીનનું પ્રદૂષણ, ભૂગર્ભ તળ ઊંડા જવા, અનિયમિત વરસાદ અને પાણીની અછત, ગરમીમાં વધારો વગેરે જેવા પરિબળો પર્યાવરણ સામેના પડકારો છે. આજના ઉપસ્થિત તમામ યુવાનોએ પોતાના જન્મદિવસ પર કે અન્ય કોઈ પ્રસંગ પર વૃક્ષ વાવીને પ્રસંગની ઉજવણી યાદગાર અને અન્ય માટે ઉપયોગી બને તેમ કરવી જોઈએ તેવી અપીલ નાયબ મુખ્ય દંડક શ્રીએ કરી હતી.
ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલીયાએ પ્રસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, “વન મહોત્સવ” એક એવો કાર્યક્રમ છે, જે વૈશ્વિક પર્યાવરણની સમસ્યાને નાથવા માટે શરૂ કરવામાં આવ્યો છે. આજે રાજકોટ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધોરાજી ખાતે યોજાયો તે નાગરિકો માટે ગર્વની બાબત છે. ધોરાજીના સ્થાનિક નાગરિકો તથા ગામડાઓના લોકો પણ પર્યાવરણને બચાવવા વૃક્ષારોપણ કરે છે. તથા આદિવાસી વિસ્તારમાં લોકો વૃક્ષોનું પોતાના બાળકની જેમ જતન કરે છે તે બાબતમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું.
કલેકટર શ્રી ડો. ઓમ પ્રકાશે આ પ્રસંગે ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા એક દશકથી વનીકરણમાં આવતી નવી ચેતનાને નાગરિકો અનુભવી રહ્યા છે. વનવિભાગ વૃક્ષો, વન્ય જીવો અને પ્રકૃતિ માટે નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યો છે. ”
વન વિભાગ, સ્થાનિક નાગરિકો, નગરપાલિકાઓ, ટ્રસ્ટ, સામાજિક સંસ્થાઓની ભાગીદારીથી “મિશન મિલિયન” હાલ ચાર મિલિયન વૃક્ષો વાવવા તરફ પ્રયાણ કરીએ છીએ. “એક પેડ મા કે નામ” અભિયાન ફક્ત માનવી માટે નહીં પરંતુ, ઇકો સિસ્ટમ માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે, તેમ કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોને રોપાઓ અર્પણ કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર યુવરાજસિંહ ઝાલાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. નાયબ વન સંરક્ષક શ્રી એસ.ડી. કોટડીયાએ આભાર વિધિ કરી હતી. નાયબ દંડકશ્રીના હસ્તે સામાજિક વનીકરણ યોજના અંતર્ગત નર્સરી, ખેડૂતો અને નાગરિકોને રોપા ઉછેર માટે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પ્રાણીઓને લગતા ગુનાઓના ડિટેક્શન, વૃક્ષોના જતન માટે ઉત્કૃષ્ટ કામગીરી, વન્ય પ્રાણીઓના રેસ્ક્યુ વગેરે માટે વન વિભાગના કર્મયોગીઓને પ્રશંસાપત્ર પ્રદાન કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વૃક્ષ રથને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ વૃક્ષ રથના માધ્યમથી છોડનું વિતરણ કરીને પર્યાવરણના જતનનો સંદેશ આપવામાં આવશે.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, વન વિભાગના એ.એસ.પી. શ્રી સીમરન ભારદ્વાજ, પ્રાંત અધિકારી શ્રી નાગાજણ તરખાલા, વન અધિકારી શ્રી નિહારિકાબેન પંડ્યા, શાળાના ટ્રસ્ટી શ્રી મનોજભાઈ કોશિયા, શ્રી વિનોદભાઈ હિરપરા, એ.પી.એમ.સી.ના ચેરમેન શ્રી કિશનભાઇ માવાણી, આર.એફ.ઓ. શ્રી બી.એન. બારૈયા, શ્રી પરેશભાઈ મોરડીયા, અગ્રણી શ્રી શ્રી કૌશિકભાઈ, શ્રી હિતેશભાઈ, શ્રી વિનુભાઈ, શ્રી વિનોદભાઈ પનારા, શ્રી વી. ડી.પટેલ સહિત સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
















