બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
આઝાદ ભારતના લોખંડી પુરુષ તથા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ ની 150મી જન્મ જયંતિ પૂર્વે કર્મભૂમિ બારડોલી થી ધર્મસ્થાન સોમનાથ સુધીના સંગમથી જીવન અને કર્તૃત્વને પ્રેરિત “સરદાર સન્માન યાત્રા 2025″નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૫ ને ગુરુવાર ના રોજ બારડોલીથી શરૂ થઈ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ ને સોમવાર ના રોજ સૌમ્ય અને પવિત્ર સોમનાથ સુધી ૧૨ દિવસ માં કુલ ૧૮૦૦ કિ.મી., ૧૮ જિલ્લા, ૬૨ તાલુકા અને ૩૫૫ ગામોને આવરી લેશે. જેનું સ્વરૂપ છે. “કર્મથી ધર્મની યાત્રા”
આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સર્વ સમાજ, સંસ્થા અને વર્ગને એકજૂથ કરીને રાષ્ટ્રીય એકતા, દેશભક્તિ અને સરદાર સાહેબના કર્તૃત્વને શ્રદ્ધાંજલિ આપવાનો છે, જેમાં દરેક ધર્મ, જ્ઞાતિ, વર્ગ, ભાષા અને વિચારધારાને એક સૂત્રમાં બાંધવાનું અમૂલ્ય કાર્ય થવાનું છે. સરદાર સાહેબ કોઈ એક જ્ઞાતિ કે પ્રદેશ માટે નહિ પરંતુ. સર્વજ્ઞાતિ – સર્વસમાજ-સર્વ ભારતીય માટે જીવન સમર્પીત કરનાર અખંડ ભારતના નેતા હતા. તેમણે 562 રાજવાડાઓને એકઠા કરીને દેશને એકતાબદ્ધ બનાવ્યો છે ત્યારે આજે આ એ સમય છે તેમને બિરદાવવાનો, તેમની ગાથાને યુવાનો સુધી પહોંચાડવાનો છે.
ત્યારે આ “સરદાર સન્માન યાત્રા” બીજા દિવસે એટલે કે તારીખ ૧૨મી સપ્ટેમ્બરના રોજ ભરૂચ ખાતે આવી પહોંચતા સૌના સરદાર જય સરદારના ગગનભેદી નારા સાથે હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરાયું હતું. આ સરદાર સન્માન યાત્રા ૨૦૨૫માં ગોપાલભાઈ વસ્તરપરા (ચમારડી), ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, દક્ષિણ ગુજરાત SPG અધ્યક્ષ મોહનભાઈ પટેલ, ભરૂચ જિલ્લા SPG અધ્યક્ષ મનિષભાઇ પટેલ, ૧૦૮ પ્રમુખ રાકેશભાઈ પટેલ, સંગઠન મહામંત્રી કપૂરભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ભરૂચ દુષ્યંતભાઇ પટેલ, શૈલાબેન પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી નિરલભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, પાટીદાર આગેવાન જિગીષાબેન પટેલ, બ્રિજેશકુમાર પટેલ, મુકેશભાઈ ગુજરાતી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.