
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા-ટીંટોઈ રેલવે લાઈનનું કામ પૂર્ણતાના આરે : જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલવે મંત્રીને પત્ર લખી મોડાસા-અમદાવાદ ટ્રેન શરૂ કરવા માંગ
અરવલ્લી જિલ્લાના લાખો નાગરિકોની વર્ષો જૂની માંગણી અને સુખાકારીને ધ્યાને રાખીને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલે ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને એક પત્ર લખીને માંગ કરી છે કે મોડાસા-ટીંટોઈ રેલવે લાઈનની કામગીરી હવે અંતિમ તબક્કામાં છે, ત્યારે આ લાઈન કાર્યરત થતાની સાથે જ મોડાસાથી ટીંટોઈ- હિંમતનગર થઈ અમદાવાદ સુધીની સીધી ટ્રેન સેવા સત્વરે શરૂ કરવામાં આવે
અરવલ્લી જિલ્લો એક ઉભરતો અને વિકાસશીલ જિલ્લો છે, અને રેલવેની સુવિધા માટે વર્ષોથી વંચિત છે. જ્યારે હજારો લોકો દરરોજ રોજગારી, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ માટે રાજ્યના મુખ્ય મથક અમદાવાદ સાથે જોડાયેલા રહે છે. વર્ષોની પ્રતીક્ષા બાદ મોડાસા-ટીંટોઈ રેલવે લાઈન સાકાર થઈ રહી છે, ત્યારે જો મોડાસાથી ટીંટોઈ- અમદાવાદની સીધી ટ્રેન સેવા શરૂ કરવામાં આવે તો જિલ્લાના મુસાફરોને આર્થિક રીતે મોટો ફાયદો થશે અને મુસાફરીના સમયમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.અરૂણભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે મોડાસા એ ઉત્તર ગુજરાતનું શૈક્ષણિક હબ છે. અમદાવાદ સાથે સીધું રેલવે જોડાણ મળવાથી વિદ્યાર્થીઓ, નાના વેપારીઓ અને નોકરિયાત વર્ગને મોટી રાહત મળશે. આ વિસ્તારના લોકો સંપૂર્ણપણે રોડ ટ્રાન્સપોર્ટ પર નિર્ભર હોવાથી હાઈવે પર વાહનોનું ભારણ રહે છે, જે ટ્રેન સુવિધા શરૂ થવાથી ઘટશે અને જનતાને સુરક્ષિત મુસાફરીનો વિકલ્પ મળશે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને જિલ્લાની જનતા વતી આગ્રહ કર્યો છે કે મોડાસા-ટીંટોઈ લાઈનના લોકાર્પણની સાથે જ અમદાવાદ માટેની નવી ટ્રેન સેવા શરૂ કરવા જરૂરી લાઇનની કામગીરી અને નવી ટ્રેનની જાહેરાત કરી તેને પ્રાથમિકતાના ધોરણે શરૂ કરવામાં આવે.





