ગોધરા શહેરમાં તા. ૩૧ ઓકટોબરના રોજ ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમને ધ્યાને લઇ જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું
ગોધરામાં યોજાનાર રન ફોર યુનિટીના નિયત રૂટ પર ભારે વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે તા. ૩૧/૧૦/૨૦૨૫ ના રોજ ગોધરા શહેરમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સવારે ૦૬:૦૦ કલાકથી ૧૦:૦૦ કલાક દરમિયાન યોજાનાર છે. જેથી આ કાર્યક્રમ દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા નાગરિકોની સુરક્ષા અને સુગમતા માટે પંચમહાલના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે.જે.પટેલ દ્વારા તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, રન ફોર યુનિટીના નિયત રૂટ પર આ સમયગાળા દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જાહેરનામા મુજબ પ્રતિબંધિત રૂટની વિગતોમાં વિશ્વકર્મા ચોકથી શરૂ કરીને ચોકી નં.૧, બિસ્મીલ્લા મસ્જીદ, ચોકી નં.૨, પોલનબજાર, ચોકી નં. ૭, સ્ટેશન ધક્કા, ચોકી નં.૬, ભાવરાઈ દેસાઈ ચોક, સ્ટેશન રોડ, શહેરા ભાગોળ, સ્વામીનારાયણ મંદિર (પીમ્પુટકર ચોક) થઈને રામસાગર તળાવ (હોળી ચકલા) સુધીના માર્ગો નો સમાવેશ થાય છે, જેથી આ તમામ માર્ગો પરથી ભારે વાહનોના પ્રવેશ કરવા પર મનાઈ ફરમાવાઈ છે.
આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.






