Rajkot: વિકાસ સપ્તાહના પ્રથમ દિવસે જ રાજકોટ જિલ્લાના બે ગામને મળી રૂ. ૪૩.૭૫ લાખના વિકાસકાર્યોની ‘ભેટ’
તા. 8/10/2025
વાત્સલયમ્ સમાચાર
આલેખનઃ સંદીપ કાનાણી
૧૦૦૦ જેટલા લોકોએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’માં જોડાઈ દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવા સંકલ્પ લીધા
Rajkot: સમગ્ર રાજ્યની સાથે રાજકોટ જિલ્લામાં ‘વિકાસ સપ્તાહ-૨૦૨૫’ની ઉમંગભેર ઉજવણી થઈ છે, ‘વિકાસ રથ’ ગામડે ગામડે જઈને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં રાજ્યમાં થયેલા સ્વર્ણિમ વિકાસની સિદ્ધિઓની ગાથા છેવાડાના લોકો સુધી પહોંચાડી રહ્યો છે. આ સાથે ‘સેવાસેતુ’ કાર્યક્રમથી લાભાન્વિત નાગરિકો ‘સરકાર ઘર-આંગણે પધાર્યા’નો અહેસાસ કરી રહ્યા છે, ત્યારે રાજકોટ જિલ્લામાં ગતરોજ વિકાસ સપ્તાહના પ્રથમ દિવસે જ બે ગામને રૂપિયા ૪૩.૭૫ લાખના વિકાસકાર્યોની ભેટ મળી છે.
ગત રોજ વિકાસ સપ્તાહના પ્રથમ દિવસે વિકાસ રથ સરધાર ગામે પહોંચ્યો હતો. અહીં બાલિકાઓના હસ્તે રથના ઉમંગથી વધામણા કરવામાં આવ્યા હતા. આ અવસરે ગામમાં રૂપિયા ૩૦ લાખના ખર્ચે થયેલા વિવિધ છ જેટલા વિકાસકામોના લોકાર્પણ કરીને ગામલોકોને જાણે આગોતરી દિવાળી ભેટ આપવામાં આવી હતી. આ તકે ૨૫૦થી વધુ ગ્રામજનો ભારત વિકાસ પ્રતિજ્ઞામાં જોડાયા હતા.
ત્યારબાદ સણોસરા ગામમાં વિકાસરથ પહોંચ્યો ત્યારે મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટ્યા હતા. આ ગામમાં રૂ. ૧૩.૭૫ લાખના ખર્ચે થયેલા ૧૩ જેટલા વિકાસકામોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. ગામમાં ૫૦૦થી વધુ લોકો ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’માં જોડાઈને દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત કરવા પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા.
જ્યારે કસ્તુરબા ધામ ત્રંબામાં વિકાસ રથના આગમન સમયે ગ્રામજનોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં સેવાસેતુનો મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો. જ્યારે ૨૫૦ જેટલા લોકોએ દેશને વિકસિત બનાવવા ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ ગ્રહણ કરી હતી.