
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
બાયડ તાલુકાના પ્રશ્નો મુદ્દે કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું -: સરકારી કચેરીના સ્થળાંતર, સિંચાઈ, ફોરલેન રોડ સહિત ની સુવિધાની માંગ
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં વર્ષોથી પેન્ડિંગ રહેલા પ્રજાસંબંધિત પ્રશ્નોને લઈને આજે બાયડ તાલુકા કોંગ્રેસ સમિતિએ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.કોંગ્રેસે રજૂઆતમાં જણાવ્યું હતું કે બાયડ તાલુકાના લોકો લાંબા સમયથી વિવિધ વિકાસલક્ષી પ્રશ્નોને લઈને તંત્ર સમક્ષ રજૂઆત કરતા આવ્યા છે, છતાં આજદિન સુધી યોગ્ય ઉકેલ ન આવતા પ્રજામાં અસંતોષ વધી રહ્યો છે
બાયડ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીને અન્યત્ર સ્થળાંતર કરવાની ચર્ચાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને બાયડમાં જ વર્તમાન સ્થળે આ કચેરીઓના વિકાસ અને નિર્માણ કરવાની માંગ કરવામાં આવી હતી.અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઇ પટેલે જણાવ્યું કે વાત્રક યોજના અને સુજલામ-સુફલામ યોજના હોવા છતાં અનેક ગામો સુધી સિંચાઈની સુવિધા ન પહોંચતા ખેડૂતો હજુ પણ વરસાદ પર નિર્ભર રહેવા મજબૂર બન્યા છે. તેથી આ યોજનાઓનો કમાન્ડ એરિયા વધારી વધુ ગામોને સિંચાઈનો લાભ આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી.
તાલુકા મથકે ધોરણ ૧૧-૧૨ના વિજ્ઞાન પ્રવાહની સરકારી શાળા શરૂ કરવાની જરૂરિયાત, બટાકા ઉત્પાદક ખેડૂતોને હાલના નુકસાનથી રાહત આપવા માટે સહાય પેકેજ જાહેર કરવાની માંગ તેમજ શિયાળુ પાકોની સરકારી ખરીદી તાત્કાલિક શરૂ કરવાની માંગ પણ કરવામાં આવી હતી.મોડાસા-બાયડ-નડિયાદ ફોરલેન માર્ગ અંગે પણ કોંગ્રેસે સરકારની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે વર્ષો પહેલા થયેલી જાહેરાત છતાં આજદિન સુધી કામ શરૂ થયું નથી, જેના કારણે અકસ્માતોની ઘટનાઓમાં વધારો થયો છે. આ માર્ગના કામને તાત્કાલિક ગ્રાઉન્ડ લેવલે શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી.સાથે સાથે ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના પુરવઠાની અછત તેમજ તાજેતરમાં થયેલા ભાવવધારા મુદ્દે પણ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
કોંગ્રેસે ચેતવણી આપી કે જો આ પ્રશ્નો અંગે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો બાયડ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રજાને સાથે લઈને લોકશાહી અને બંધારણીય માર્ગે ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે. આ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઇ પટેલ, વિધાનસભા પ્રભારી કમલભાઈ પટેલ, અશોકસિંહ ઝાલા, શહેર પ્રમુખ મોનીકભાઈ પટેલ, મયુરસિંહ ઝાલા, ભરતભાઈ પટેલ, વિરેન્દ્રભાઈ, કિરણસિંહ, મુકેશસિંહ સહિત ના આગેવાનો જોડાયા હતા.





